દાનહના દાદરા ગામેથી કરવડ ગામ તરફ જતી દમણગંગા નહેરમાં તણાઈ આવેલ નાના બાળકની ગર્દન કપાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ થતા દાનહ અને ગુજરાત પોલીસની ટીમ સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમને બોલાવી લાશ બહાર કાઢી હતી. આ બાળકની લાશ ક્ષત વિક્ષત હાલતમાં હતી. એનું માથું તેમજ એક પગ મળ્યો ન હતો. ત્યારબાદ તપાસ કરતા માથું અને પગ સેલવાસના સાયલી સ્મશાન ભૂમિ પાસેથી મળી આવ્યું હતું. ક્ષત વિક્ષત હાલતમાં મળેલ બાળકની લાશ લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યું છે.
સેલવાસ સાયલી ઢીંઢાપાડા ખાતે રહેતા એક આદિવાસી પરિવારનો ચૈતા ગણેશ માહયા કોહલા ઉ.વ.09 ગત 29-12-22 ના દિને પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. ત્યારે લગભગ 2 થી 3 વાગ્યાના સુમારે તે અચાનક ગાયબ થતા પરિવારના સભ્યો ચિંતામાં મુકાયા હતા. મોડી રાત સુધી તપાસ કર્યા બાદ પણ કોઇ પત્તો ન લાગતા બીજા દિવસે પિતા ગણેશે પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. 1 જાન્યુઆરી 2023ના દિને દાદરા નજીક કરવડ ગુજરાત સરહદે બાળકની લાશ ક્ષત વિક્ષત હાલતમાં મળી આવી હતી. જોકે બોડી ગુજરાત સરહદેથી મળી હતી તેથી ડુંગરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આ કેસ સેલવાસ પોલીસને સોંપાઇ હતી.
આજે માસુમ બાળકના મોતને 6 દિવસ વીતી ગયા છે તેમ છતાં સેલવાસ પોલીસ હજુ સુધી કોઈ પણ જાતની વાતચીત કરવાથી બચી રહી છે. બીજી તરફ સાયલી ગામના લોકોનું માનવું છે કે આ બાળકનો ઉપયોગ નરબલી માટે થયો હોવાની સંભાવનાને ટાળી શકાય એમ નથી. બીજી તરફ સેલવાસ પોલીસ મૌન અવસ્થામાં છે. આજે જ્યારે ચૈતા ગણેશ કોલાહ ના પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી પોલીસ દ્વારા તેમને આપવામાં આવી નથી.
હત્યારાને જલ્દીથી સજા થાય તેવી માગછે
ગત શનિવારે પોલીસ વાળા અમને કરવડ નજીક આવેલી નહેર પર લઇ ગયા ત્યાં એક બાળકની લાશ ક્ષત વિક્ષત હાલતમાં પડી હતી. એના શરીર માંથી અનેક અંગ ગાયબ હતા એનું માથું પણ ન હતું. ચૈતાની ઓળખ અમે એના હાથ પર બાંધેલા દોરા પરથી કરી હતી. આટલી ક્રૂર હત્યા કરનારા જલ્દી સળિયા પાછળ ધકેલાય એ જ અમારી માંગ છે. ચૈતા ધોરણ 3માં ભણતો હતો. - માહ્યા કોહલા, મૃતકના દાદાજી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.