એક જ પરિવારના ત્રણના મોત:વલસાડના સોનવાડા હાઇવે પર ખાડાના કારણે ચાલકે બાઇક પર કાબૂ ગુમાવ્યો, પાછળ ટ્રક યમરાજ બનીને આવી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાછળથી આવતી ટ્રક નીચે આવી જતા પતિ-પત્નીના ઘટના સ્થળે મોત
  • દીકરીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત, એક દીકરો અનાથ બન્યો

વલસાડ સોનવાડા હાઇવે ઉપર અનાવલમાં ગુરુપૂર્ણિમા કાર્યક્રમમાં હાજરી આપી બાઈક ઉપર પરત આવી રહેલા બાઈક ચાલકે સોનવાડા હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને બાઈક ઉપરથી કાબુ ગુમાવતા બાઈક ઉપરથી બાઈકનો ચાલક તેની પત્ની અને દીકરી રોડ ઉપર પટકાયા હતા. બાજુના ટ્રેક ઉપર ચાલતા ટ્રક ચાલકે ટ્રક ઉપર કાબુ ગુમાવતા પરિવારના ત્રણેય સભ્યો ઉપર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જેમાં પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતી. જ્યારે દીકરીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

પતિ પત્નીનુ ઘટના સ્થળે મોત
વલસાડ તાલુકાના ડુંગરી ખાતે રહેતા સુનિલભાઈ પટેલ તેમની પત્ની રંજનબેન અને દીકરી હેતવી સાથે બાઈક નંબર (GJ-15-AC-342) લઈ ગુરુપૂર્ણિમા નિમિત્તે વલસાડ તાલુકાના અનાવલ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ગયા હતા. ઉત્સવ પતાવી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સોનવાડા બ્રિજ પાસે પડેલા ખાડાઓમાં બાઈક પડતા સુનિલભાઈ એ બાઈક ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, અને રસ્તા ઉપર પટકાયા હતા. જે દરમિયાન પાછળથી આવતી એક ટ્રક નંબર (GJ-11-VV-7707)ના ચાલકે કાબૂ ગુમાવતા, સુનિલભાઈને તેમની પત્ની રંજનબેનને, અને દીકરી હેતવી ઉપર ટ્રક ફેરવી દીધી હતી. ઘટનામાં સુનિલભાઈ અને રંજનબેનનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે દીકરી હેતવીને સ્થાનિક લોકોએ 108 ની મદદ લઈ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન હેતવીનું પણ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડાહ્યાભાઈ ગુલાબભાઈ પટેલે અજાણ્યા ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એક દીકરો અનાથ બન્યો
સુનિલભાઈ તેની પત્ની અને મોટી દીકરી સાથે સોનવાડા હાઇવે ઉપર થયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સુનિલભાઈના દીકરાએ એક સાથે માતા પિતા અને બહેનની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવાર વિખેરાઈ જતા દીકરો એકલો અનાથ થઈ ગયો છે. સુનિલભાઈનો અકસ્માત થયો હોવાની જાણ પરિવાના સભ્યોને થતા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ભર વરસાદમાં પણ પરિવારના સભ્યો અને સુનિલભાઈના મિત્રો સોનવાડા હાઇવે ઉપર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...