વલસાડમાં નવું એસટી ડેપો છેલ્લા અઢી વર્ષથી તૈયાર થઇ ગયું છતાં તંત્ર દ્વારા લોકાર્પણ વિધિ કરવાનું મુહૂર્ત નિકળ્યું નથી.એસટી વિભાગ દ્વારા રૂ.2 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આ ડેપોમાં લોકાર્પણ વિના જ બસોનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જો કે હજીપણ ડેપોની કામગીરી દરમિયાન બનાવેલાં પતરાંના શેડમાં જ મુસાફરોને બેસવાની વ્યવસ્થા તથા ત્યાંથી કન્ટ્રોલ રૂમ, ઇન્કવાઇરી,એનાઉન્સની કામગીરી કરાઇ રહી છે.
વલસાડ એસટી વિભાગ દ્વારા બેચર રોડ ઉપર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે નવું એસટી ડેપો બન્યાને અઢી વર્ષથી વધુ સમય થઇ ગયો છે. રૂ.2 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આ ડેપોમાં હાલે 6 ડેપોની બસોનું સંચાલન ચાલી રહ્યું છે.જેમાં 8 હજાર જેટલા મુસાફરો આવજા કરે છે. આ ડેપો તૈયાર થઇ ગયા બાદ તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે તેવી અપેક્ષા મૂસાફર આલમમાં હતી,પરંતુ દિવસો પસાર તથા ગયા તેમ લોકાર્પણ વિધિ કરવાનું હજી મુહૂર્ત નિકળ્યું નથી.
વર્ષ 2017માં નવા ડેપો માટે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં 3 કરોડનું બજેટ હતું. જોકે, નવા ડેપોના બાંધકામ દરમિયાન મોરબીમાં એસટી ડેપોનો સ્લેપ તૂટી પડતા વલસાડ ડેપોની ડિઝાઇનમાં ફેરફાર કરાતા નિયત ટેન્ડરીંગ કોસ્ટથી 1 કરોડ વધુનો ખર્ચ થઇ ગયો હતો. જેને લઇને તાંત્રીક મંજૂરી મળવામાં લાંબો સમય નિકળી ગયો હતો. 3 વર્ષથી તૈયાર થયેલા નવા ડેપોને યાત્રીઓની સુવિધા માટે લોકાર્પણ વિના શરૂ કરાયો છે.
ડિઝાઇન બદલાતા મંજૂરી ન મળી
જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.,તેમાં પાછળથી ફેરફાર કરવામાં આવ્યું હતું.બાંધકામમાં પ્રથમ પ્લેટફોર્મ સંકુલમાં આરસીસી સ્લેબ બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતું નિગમના આર્કિટેક્ટ દ્વારા આ સ્લેબની ડિઝાઇન કન્સીડર કરાઇ ન હતી.નવી ડિઝાઇનમાં ફુટિંગ સાથેના પિલરોના બાંધકામનો ખર્ચો વધી જતાં સક્ષમ અધિકારીની નવી મંજૂરી જરૂરી બની હતી.જેને લઇ લાંબો સમય નિકળી ગયો હતો. અધિકારીઓ પણ બદલાઇ જતાં ડેપોની વધી ગયેલી કોસ્ટની મંજૂરી ખુબ મોડી થઇ.
મોરબીમાં સ્લેબ તૂટતા વલસાડની ડિઝાઇન બદલાઇ
એસટી વિભાગના સૂત્રોથી મળતી માહિતી મુજબ જે તે સમય વલસાડ એસટી ડેપોનું બાંધકામ ચાલૂ હતું ત્યારે મોરબીમાં એક ડેપોનો સ્લેબ તૂટી પડ્યો હતો.જેને લઇ એસટી નિગમના વલસાડ ડેપોના આર્કિટેક્ટ દ્વારા વિઝિટ લીધાં બાદ સ્લેબની અને એલિવેશનની ડિઝાઇન બદલવા જણાવતા કોસ્ટ વધવાના કારણે તેની મંજૂરીમાં ભારે વિલંબ થતાં વલસાડના નવા ડેપોનુ સમયમર્યાદામાં લોકાર્પણ કરી શકાયું ન હતું.
એસટીના નવા નિયામકે મંગળવારે જ ચાર્જ લીધો
વલસાડ એસટી વિભાગના નિયામક તરીકે સુરતના સંજય જોષીને વધારાનો હવાલો સોંપાયો હતો.જો કે હાલમાં નિગમ દ્વારા જે અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતા તેમાં વલસાડ એસટીના નિયામક તરીકે વી.એચ.શર્મા જેવા અનુભવી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.અગાઉ તેઓ વલસાડમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી વલસાડ ફરી આવતાં નવા એસટી ડેપોનું લોકાર્પણ કરવા તેમણે તૈયારી બતાવી છે.
ટેન્ડર કોસ્ટમાં વધારો થતા મામલો અટવાયો
સીએમના હસ્તે લોકાર્પણની શક્યતા, નિગમને ડેપોના લોકાર્પણ માટે પત્ર મોકલાયો
વલસાડ એસટી વિભાગના બાંધકામ વિભાગ દ્વારા નવા એસટી ડેપોના લોકાર્પણ માટે પત્ર મોકલવામાં આવ્યો છે.જેમાં લોકાર્પણની તારીખ નક્કી કરવા જણાવાયું છે.નિગમ દ્વારા તારીખ નક્કી કરાયા બાદ જે થોડું કામ બાકી છે તે કરવામાં સરળતા રહેશે તેવું આયોજન કરાઇ રહ્યું છે.હાલમાં સીએમના હસ્તે લોકાર્પણ કરાવવાનું વિચારવામાં આવી રહ્યું છે.નિગમ શું નક્કી કરે છે તેની બાંધકામ શાખા દ્વારા રાહ જોવાઇ રહી છે.
નવા ડેપોમાં પણ ક્ષતિઓ
વલસાડના નવા ડેપોમાં મુસાફરો માટે તમામ સુવિધાઓ, કર્મચારીઓ માટે રૂમ, ગેસ્ટ રૂમ, ડ્રાઇવર કન્ડકટરો માટે રેસ્ટ રૂમ,મહિલા કર્મચારીઓ માટે રેસ્ટ રૂમ, હોલ,પાર્સલ રૂમ, ઇન્કવાયરી ઓફિસ, સ્ટોલ્સ, પાણી, શૌચાલયો, રિઝર્વેશન ઓફિસ, એનાઉન્સ રૂમ, મુસાફરોને બેસવાની વ્યવસ્થા છે. જો કે કેટલીક ક્ષતિ રહી છે ,જેમાં ડેપોની આસપાસ આરસીસી બનાવવાનું કામ બાકી છે 8 પ્લેટ ફોર્મ પરથી બસ જે ગામો શહેરો માટે મૂકવામાં આવે છે તેના પર મૂકાયેલા બોર્ડ ખુબ નાના છે,જેના પર હાલમાં જે ગામો,શહેરોના નામ લખ્યા છે,તેના અક્ષર નાના હોવાથી મુસાફરોને થોડે દૂરથી પણ દેખાતા નથી.ડેપોના પ્લેટફોર્મના ઉપર સીલિંગના ભાગે એંગલોના શેડ છે તેમાં કબૂતરો જો બેસે તો નીચે બેસેલા મુસાફરોને તેના અઘારથી મુશ્કેલી પડશે તેવું કેટલાક લોકો જણાવી રહ્યા છે.
ડેપોનું લોકાર્પણ ટૂંક સમયમાં
લાંબા સમયથી એસટી ડેપોના લોકાર્પણની વિધિ કરવાની બાકી રહી છે.જો કે ડેપોનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે,જે થોડા નાના કામ બાકી હશે તે સત્વરે પૂર્ણ કરી દેવાશે.મોટાભાગે બસોનું સંચાલન અને મુસાફરોની અવરજવર ચાલૂ રહી છે.ટૂંક સમયમાં તમામ સ્થિતિને સુનિશ્ચિત કરી લોકાર્પણની કાર્યવાહી શરૂ કરાશે. - વી.એચ.શર્મા, એસટી નિયામક,વલસાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.