વલસાડ જિલ્લામાં મુંબઇના ભાઉચા ધક્કા અને જખૌ બંદરો પર ફિશિંગ કરવા જતી 200થી વધુ મોટી યાંત્રિક બોટના ફિશરમેનોના ધંધાને છેલ્લા 1 વર્ષથી ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. માસિક 45 હજાર ટનથી વધુનો જથ્થો ક્યાં વેચવો તે સમસ્યા ફિશરમેનોને સતાવી રહી છે.
ચીન અને યુરોપમાં મત્સ્ય ઉત્પાદનનુ એક્સપોર્ટ અટકી જતાં ફિશરમેનો મુશ્કેલીમાં મૂકાયા છે. વલસાડ જિલ્લામાં આમ તો નાની મોટી 500 બોટ લઇને ફિશરમેનો સમુદ્ર ખેડીને ફિશિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાંથી 200 મોટી ક્ષમતાની યાંત્રિક બોટ એવી છે જે અરબી સમુદ્રના ઉંડાણે પહોંચી મત્સ્ય ઉત્પાદન મેળવે છે.
આ બોટમાં ખલાસીઓ, ડીઝલનો જથ્થો, 8 મહિનાનું રાશન અને દૈનિક જરૂરિયાતોનો સંગ્રહ કરી ફિશરમેનો બોટ લઇ સમુદ્રની સફર ખેડતા હોય છે. યાંત્રિક બોટના નિભાવનો ખર્ચ, ખલાસીઓના પગાર વિગેરેના ખર્ચાને પહોંચી વળવા ફિશરમેનો બોટ માલિકો દ્વારા મોટું રોકાણ કરે છે.
પરંતું હાલના છેલ્લા 1 વર્ષથી મચ્છીના ધંધામાં ભારે આર્થિક ફટકો પડ્યો છે. રો મટિરિયલના ભાવો અને ડીઝલના ભાવ આસમાને પહોંચતાં ફિશિંગ બિઝનેસને ટકાવવો અઘરૂં બન્યું છે. આમાં મુખ્યત્વે ચાઇનામાં જતો માલના એક્સપોર્ટ બંધ થઇ ગયું છે. જેને લઇ આ માલનો નિકાલ કરવામાં ફિશરમેનોને નવ નેજાં પાણી ઉતરી રહ્યા છે.
બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે 9 માસથી ચાલી રહેલા ભયંકર યુધ્ધના કારણે યુરોપના દેશોમાં ભારે મંદીનો માહોલ રહેતા યુરોપમાં પણ ભારતીય ફિશિંગનું એક્સપોર્ટ અટકી ગયું છે. વલસાડ જિલ્લામાં જ માસિક અંદાજિત 35 હજાર ટન માછીલીના નિકાસ થતું બંધ થઇ જતાં ફિશરમેનો આર્થિક સંકળામણનો સામનો કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિક ભાવોમાં 40 ટકાનો કડાકો
વલસાડ જિલ્લામાં મોટી યાંત્રિક બોટોના ફિશરમેનો જીવના જોખમે ઉંડાણનો દરિયો ખેડી ફિશિેંગ કરતા હતા ત્યારે એક્સપોર્ટના કારણે ઉંચા ભાવો મળતા હતા.પરંતું એક્સપોર્ટ બંધ થઇ જતાં માલનો નિકાલ માટે સ્થાનિક બજાર પર નિર્ભર રહેવુ પડ્યું છે.જેને લઇ સપ્લાયરો દ્વારા પોષણક્ષમ ભાવો મળતા બંધ થઇ ગયા છે.
સ્થાનિક બજારમાં હોલસેલના ભાવો જોઇએ તેવા મળતા નથી,જેમાં 40 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો છે.જેની સીધી અસર ફિશરમેનોનાં ફિશિંગ પર પડી છે.ઉંચી ક્વોલિટીની ફિશનો ભાવ અગાઉ સરેરાશ કિલોના રૂ.800 થી1000 થી પણ વધુ હતા તેના 600થી પણ નીચા ગયા હોવાનું માછીમારો દ્વારા જાણવા મળ્યું છે
મત્સ્યોદ્યોગ મંત્રી સાથે મિટિંગ થશે
વલસાડ સહિત ગુજરાતના 1600 કિમીના સમુદ્રી કિનારા પર વસતા ફિશરમેનોની સમસ્યા માટે અને તેના નિરાકરણ માટે રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી સાથે મિટિંગનું આયોજન કરાયું છે.જેમાં આ મુદ્દાઓ રજૂ કરવા માટે ફિશરમેનોના સંગઠને નિર્ણય કર્યો છે.
સરકાર એક્સપોર્ટ માટે નવી યોજના જાહેર કરે તે જરૂરી બન્યું છે
જિલ્લામાંથી 200 સુધીની સંખ્યામાં એવી બોટ છે જે મોટી યાંત્રિક બોટમાં સમાવિષ્ટ છે.જે જખૌ,વેરાવળ મુંબઇના ભાવચા ધક્કા ઉપર ફિશિંગ વ્યવસાય કરે છે.પરંતું હાલમાં ચાઇના અને યુરોપનું એક્સપોર્ટ બંધ થઇ જતાં વ્યવસાય પડી ભાંગ્યો છે.
સ્થાનિક બજારમાં પોષણક્ષમ ભાવો ન મળતાં ફિશરમેનોને આર્થિક સંકળામણમાં મૂકાયા છે.જે માટે અમો સરકાર સમક્ષ રજૂઆતો કરી છે,જેમાં ચીન અને યુરોપના દેશોમાં એક્સપોર્ટ ફરી શરૂ થાય તેવી નવી યોજના બનાવે તેવી માગ કરી છે.:દિનેશ ટંડેલ,પ્રમુખ,મુંબઇ બોટ એસોસિએશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.