પાણીમાં તણાયો:2 દિ’ પહેલા તણાયેલા ભૈરવીના શિક્ષકની લાશ બિનવાડાથી મળી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાવરી નદીના પૂરના પાણીમાંથી લાકડા કાઢવા જતાં તણાયો હતો

વલસાડના બીનવાડાની પાર નદીમાંથી ધરમપુરના ભૈરવી ગામની આશ્રમશાળાના શિક્ષકની બે દિવસ બાદ લાશ મળી આવી હતી. ધરમપુરની લાવરી નદીમાં લાકડા કાઢવા જતાં આ યુવાન આચાર્ય પૂરના પાણીમાં તણાઇ જતા લાપતા થયા હતા.જેની શોધખોળ જારી રહી હતી,તે દરમિયાન બુધવારે વલસાડના બીનવાડામાં પારનદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ધરમપુર તાલુકાના ઉપરવાસમાં બે દિવસ અગાઉ ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.જેમાં ઘોડાપૂર આવતા નદીઓ ગાંડીતૂર બની હતી.દરમિયાન ધરમપુરના ભેંસદરા નજીક ભૈરવી ગામની આશ્રમ શાળામાં આચાર્ય અને શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાન હિતેશ ગણપતભાઇ ટંડેલ લાવરી નદીમાં લાકડા કાઢવા ગયા હતા.તે સમયે પૂરના ધસમસતા પાણીમાં ખેંચાઇ જતાં તેમનો બે દિવસથી કોઇ પત્તો લાગ્યો ન હતો.તરવૈયાઓની ભારે શોધખોળ છતાં આચાર્યના કોઇ સગડ મળ્યા ન હતા.છેવટે વલસાડ નજીક બીનવાડા ગામેથી પસાર થતી પારનદીમાં આચાર્યનો મૃતદેહ તણાઇને આવી જતાં ગ્રામજનોને જાણ થઇ હતી.જેની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો.

શિક્ષકના 4 માસ અગાઉ લગ્ન થયા હતા
મળતી માહિતી મુજબ ધરમપુરના ભેંસદરા નજીક ભૈરવી ગામે આશ્રમ શાળાના આચાર્ય હિતેશ ટંડેલના લગ્ન 4 માસ અગાઉ જ થયા હતા.તેમના આ લગ્નપ્રસંગને લઇ પરિવારજનોમાં ભારે આનંદનો માહોલ હતો.પરંતું વિધિને કંઇ ઓર મંજૂર હતું તેમ તેમનું મૃત્યુ થતાં કુુટુંબીજનોમાં શોકની કાલીમા ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...