પાલિકાનો અંધેર કારભાર:વલસાડ પાલિકાની 8 દૂકાનની હરાજી ઘોંચમાં જ્યારે 7 દૂકાનો ખાલી રહેતા ભાડાની આવક બંધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DN અને ઇન્દિરાગાંધી શોપિંગ સેન્ટરની દૂકાનો મુદ્દે શાસકો ઉદાસીન, વિપક્ષ-અપક્ષ સભ્યોના રોષ વચ્ચે શાસકો હજી અનિર્ણીત

વલસાડ નગરપાલિકાને દેવામાંથી બહાર કાઢવા માટે તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે હવે પાલિકાની જે 15 દૂકાનો હાલે ખાલી પડી છે તે મુદ્દે વિવાદ ઉભો થયો છે. જેમાં બંધ દૂકાનોના કારણે ભાડાની આવક બંધ થઇ જતાં શાસકો, વિપક્ષ તથા અપક્ષો વચ્ચે વિવાદ વધ્યો છે. પાલિકાના અપક્ષ સભ્યોએ સીઓ પ્રમુખ સુધી ખાસ ઉકેલનો ફોર્મ્યુલો રજૂ કરવા છતાં શાસકો દ્વારા કોઇ નિર્ણય નહિ લેવાતાં મામલો હજી અનિર્ણીત રહ્યો છે.

વલસાડ પાલિકામાં આવકના સ્ત્રોત મુદ્દે છેલ્લા કેટલાક સમયથી શાસક સભ્યો અને વિપક્ષ અપક્ષ સભ્યો દ્વારા ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી હતી.આ મામલે સામાન્ય સભાઓમાં કામ લેવાતા હોવા છતાં તેનું કોઇ નક્કર પરિણામ મળ્યું નથી.કારણ કે નિર્ણયો લેવાયા બાદ શાસકો અને વહીવટકર્તાઓ સમયની મર્યાદાને ધ્યાને રાખી તમામ પ્રક્રિયાઓ નક્કી સમયગાળામાં કરવામાં નિષ્ફળ નિવડતા હોવાથી કામો પણ ટલ્લે ચઢતાં રહે છે.આ મામલે ભાજપના ટેકેદાર સભ્યો નિતેશ વથી અને ઝાકિર પઠાણે પાલિકાને ઉપયોગી દૂકાનો પૈકી 15 દૂકાનો બંધ જોવા મળી છે.

આ જૂની દૂકાનો દ્વારા મળતી આવક ચાલૂ કરવા અને નવી 8 દૂકાનોની હરાજીનું કામ માથાના દુ:ખાવા સમાન બની ગયું છે.આ કામો પાલિકાની નબળી આર્થિક સ્થિતિમાં મદદરૂપ બની રહે તેમ હોવાના મુદ્દા સામે આવ્યા છે.તેમ છતાં ઉકેલ ન આવતા પાલિકાના અપક્ષના બે સભ્યોએ મુખ્યમંત્રી,,પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ,નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઇ દેસાઇના ધ્યાને આ મુદ્દાઓ લાવી ઉકેલના પ્રયાસો હાથ ધર્યા છે.

વર્ષે ભાડાની લાખોની આવક ગુમાવાઇ રહી છે, વિપક્ષનો રોષ
વલસાડ પાલિકાના શહેરના મુખ્ય રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરો દાદાભાઇ નવરોજી શોપિંગ સેન્ટર અને ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરમાં કુલ 15 દૂકાન વર્ષોથી ખાલી પડી રહી છે.જેની સામે અપક્ષ સભ્યોમાં બુમરાણ મચી ગઇ છે.આ દૂકાનો હાલમાં બંધ છે અને તેની ભાડાની આવક મળતી નથી.આ અત્યંત કિમતી મિલકતની ઉપજ આ રીતે પાલિકાને નહિ મળતાં બેદરકારી સામે આવી છે.પાલિકા પાસે હાલ 15 જેટલી દુકાનો ખાલી હોવાથી વર્ષે લાખો રૂપિયાની આવક જતી કરવી પડી રહી છે. જેને લઇ વિપક્ષમાં ભારે નારાજગી જોવા મળી છે.

કલ્યાણબાગની દૂકાનોનું લોકાર્પણ થયું, હરાજી નહીં
વલસાડના ઐતિહાસિક જ્યોતિ મિનાર સાથે કલ્યાણબાગના વિકાસ કામો હેઠળ અંહિ 8 દૂકાન સાથેનું એક ઇન્સ્ફ્રાસ્ટકચર પણ આવકને ધ્યાને લઇ બનાવવામાં આવ્યું હતું.આ વાણિજ્યિક મિલકતની દૂકાનો તૈયાર થઇ ગયા બાદ ઇમારતનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં થઇ ગયાને પણ દોઢ બે વર્ષ થઇ ગયા છતાં હજી આ 8 દૂકાનોની હરાજી સુધ્ધા કરાઇ નથી.આ જ મુદ્દે અપક્ષના બે સભ્યોએ રોષ રજૂ કર્યો છે.

વાણિજ્યિંક બંધ મિલકતોની હરાજી કરવામાં આવે તો પાલિકાને આર્થીક રાહતની સાથે નવી આવક મળશે
વલસાડ પાલિકાના સભ્યો નિતેશ વશી અને ઝાકીર પઠાણે જણાવ્યું કે,પાલિકા આવકના અભાવનો સામનો કરતી હોવાનું જણાવે છે પરંતું જે પગલાં લેવાના છે તે લેતા નથી.વાણિજ્યિક બંધ મિલકતોની હરાજી થાય તો તાત્કાલિક આવકના સ્ત્રોતનો લાભ પાલિકા તંત્રને મળી શકે.આ ઉપરાંત પાલિકાને ભાડાની રકમની બાંધી આવક મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...