વલસાડ જિલ્લાની સરહદો એક રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશને અડીને આવેલી છે સાથે ઔદ્યોગિક એકમો પણ આવેલા હોવાથી વિદેશી નાગરિકો, આંતર રાજ્યના નાગરિકો તેમજ વિવિધ જિલ્લાના નાગરિકો, વેપારીઓ અને ટેક્નિશ્યનો વિવિધ કામકાજ અર્થે આવતા જતા હોય છે અને ટૂંકા સમય માટે હોટલમાં પણ રોકાતા હોય છે. ભૂતકાળમાં બનેલા બનાવોની તપાસ દરમિયાન બહાર આવેલી હકીકત મુજબ, કેટલીકવાર અસામાજિક તત્વો અને ગુનેગારો આતંકવાદી, ત્રાસવાદી પ્રવૃતિ કરવા નાગરિકો અને વેપારીઓની આડમાં રોકાણ કરી આજુબાજુના વિસ્તારોમાં, શહેરની ભીડભાળ વાળી જગ્યા, મોટી હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો, સરકારી કચેરીઓ અને અતિ સંવેદનશીલ જગ્યાઓની રેકી કરી આતંકવાદી પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિ, ચોરી અને લૂંટફાટની પ્રવૃત્તિને અંજામ આપી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શાંતિ અને સલામતી ડહોળવાના પ્રયાસ કરતા હોય છે.
ઔદ્યોગિક એકમોની આસપાસની હોટલોમાં ઈમોરોલ ટ્રાફિકિંગની પ્રવૃત્તિ પણ વેપાર ધંધા તેમજ સ્પા અને મસાજની આડમાં થતી હોવાના કિસ્સા રાજ્યમાં ભૂતકાળમાં બન્યા છે. જેથી જિલ્લા હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફર ખાના ઉપર નિયંત્રણો મુકવા ખૂબ જરૂર જણાય છે. આ માટે ગુજરાત પોલીસ દ્વારા PATHIK (Program for Analysis of Traveler and Hotel Informatics) સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલમાં મોટા શહેરમાં સફળતાપૂર્વક કાર્યરત છે. આ સોફટવેરમાં ઓનલાઈન વેબ પોર્ટલ https://pathik.guru માં હોટલ, લોજ વગેરેમાં આવતા મુસાફરોની એન્ટ્રી કરવાની રહે છે. આ સોફટવેર વલસાડ જિલ્લા ખાતે કાર્યરત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેનું નિયત્રંણ વલસાડ ઓપરેશન ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી જિલ્લાની તમામ હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા, કોર્પોરેટ હાઉસ કે જેઓ મુસાફરો અને વેપારીઓને ટૂકો આશરો આપે છે એ તમામે સોફટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની રહે છે. જે માટે તેઓએ એસ.ઓ.જી વલસાડની વાપી ખાતેની કચેરીએ જઈ તેઓની હોટલ/એકમ આ સોફટવેરમાં રજિસ્ટર કરાવવાનું રહેશે અને તેઓના યુઝર આઈ.ડી. પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યારબાદ જ તેઓ આ સોફટવેરમાં મુસાફરોની એન્ટ્રી કરી શકશે.
વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ આ સંદર્ભે જિલ્લામાં અગમચેતીના પગલારૂપે સાવચેતી તથા તકેદારીના પગલા હેતુસર ફોજદારી કાર્યરીતિ અધનિયમ-1973ની કલમ 144 મુજબ તા. 30 એપ્રિલ સુધી જિલ્લાની તમામ હોટલ,લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફરખાનાના સંચાલકોએ પથિક સોફટવેરમાં મુસાફરોની એન્ટ્રી કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ સ્થાનિક હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા અને મુસાફર ખાનાના સંચાલકોએ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવાનું રહેશે તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી PATHIK (Program for Analysis of Traveler and Hotel Informatics) ઈન્સ્ટોલ કરવાની રહેશે. મેન્યુલ રજિસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ આ PATHIK એપમાં ફરજિયાતપણે ઓનલાઈન કરવાની રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તે ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.