વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મહિલાના શંકાસ્પદ મોતનો બનાવ બન્યો છે. દારૂની હેરાફેરી મામલે ઝડપાયેલી મહિલાનો પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને ખસેડી આપ્યો છે.
દારૂની હેરાફેરી સાથે સંકળાયેલી મહિલાનો વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વાપી ટાઉન પોલીસના જણાવ્યા મુજબ, લતા ઉર્ફે સુશિલાબેન ગવ્હણે દારૂની હેરાફેરી કરતા ચલા વિસ્તારમાંથી ઝડપાયા બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ સમયે લતાબેન પોતે પણ નશામાં હતા. લતાબેનને PSOના ટેબલની સામે મહિલા લોકઅપની બહાર બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડીવાર પછી લોકઅપના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લતાબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત ખસેડવામાં આવ્યો છે.
મૃતક લતાબેનના પુત્ર રવિએ જણાવ્યું હતું કે એક વર્ષથી પિતા પથારીવાસ છે. ત્રણ ભાઈઓમાં એક રાહુલ અલગ રહે છે. બીજો નાનો ભાઈ દિવ્યાંગ છે એટલે એનાથી કોઈ કામ થઈ શકે એમ નથી, હું કડીયા કામ કરી પરિવાર ને આર્થિક રીતે મદદ કરું છું, ઘર ચલાવતી વૃદ્ધ માતા પુત્ર ની આવક થી પૂરું ન થઈ શકતુ હોવાથી દારૂ ની હેરાફેરી કરી થોડા રૂપિયા કમાઈ લેતી.
મનથી મજબૂત મારી માતા આવું ન કરી શકે : પુત્ર
મારી માતા ઘણા સમયથી દમણથી લાવી દારૂનું વેચાણ કરતી હતી. ઉંમરલાયક હોવા છતાં મનથી મજબૂત હતી. જે બસમાં મારી માતા આવી તેમાં અન્ય 7 મહિલાઓ પણ હતી. જેઓને નીચે ન ઉતારી પોલીસે મારી માતાને જ પોલીસ સ્ટેશને લઇ ગયા. મને લાગતુ નથી કે તે આવું કરી શકે છે. { રાહુલ ગવાને, મૃતકનો પુત્ર
મહિલા પોલીસે આરોપી પર વોચ કેમ ન રાખી
મૃતક મહિલાને ગભરાટ થતા કસ્ટડી બહાર કાઢવામાં આવી હતી. આ સમયે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીને વોચ માટે કેમ રાખવામાં આવી ન હતી. તે પણ મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે. આ ઉપરાંત પીએસઓની નજર સમક્ષ આવેલી કસ્ટડીના એંગલ સાથે મહિલાએ દુપટ્ટો બાંધી ફાંસો ખાતા આ સમગ્ર ઘટના હાલ ઊંડાણ પૂર્વક તપાસ તરફ દોરી જાય છે. બીજી તરફ મૃતકના પુત્રએ પણ કેટલાક સવાલો ઉભા કર્યા છે.
પોલીસ જાપ્તામાં હોવા છતાં બનાવ બન્યો
આ કેસમાં વાપી ટાઉન પોલીસે મહિલાની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. આમ છતાં મહિલા પાસે મહિલા કોન્સ્ટેબલો ન હતી. પોલીસ જાપ્તામાં હોવા છતાં મહિલા આપઘાત સુધીનું પગલું ભરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ ઘટનામાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થવાના પણ ભણકારા વાગી રહ્યા છે.ઘટનામાં કોણ જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.
મૃતક મહિલા ખેંચની બીમારીથી પિડાતી હતી
આપઘાત બાદ સુરત ખાતે પેનલ પીએમ કરાયો હતો. જેમાં વૃદ્ધાના લીવર ફેલ થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ ગળે ફાંસો ખાવાના કારણે જ મોત થયા હોવાનું તબીબે જણાવ્યું હતું. વૃદ્ધા ખેંચની બીમારીથી પીડાઇ રહી હતી તેમ તેના પરિજનોએ પોલીસને જણાવ્યું છે.બનાવ બાદ તેની જાણ તાત્કાલિક પરિવારજનોને કરી દેવાઇ હતી. > બી.જે.સરવૈયા, પીઆઇ, વાપી ટાઉન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.