તપાસ:જિલ્લામાં ભાંગફોડિયા પ્રવૃત્તિની શંકા, તંત્ર એલર્ટ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ્ટહાઉસો, હોટલોને મુસાફરોની માહિતી ઓનલાઇન એન્ટ્રી કરવા કલેકટર આદેશ

મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હદ સાથે જોડાયેલા વલસાડ જિલ્લાની તમામ હોટલો, ધાબા, ગેસ્ટ હાઉસો, ક્લબ હાઉસ અને ફાર્મ હાઉસોમાં આવતા મુસાફરોની દૈનિક ઓનલાઇન એન્ટ્રી પોલીસ દ્વારા તૈયાર કરાયેલી PATHK એપમાં ઓનલાઇન એન્ટ્રી કરવા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે.જેનો અમલ ફરજિયાત કરવા તાકીદ કરવામાં આવી છે.

કલેકટર ક્ષિપ્રા અગ્રેએ બહાર પાડેલા જાહેરનામા મુજબ વલસાડ જિલ્લો ઔદ્યોગિક એકમોથી ધમધમે છે. જિલ્લામાં 5 ઔધોગિક એકમો તેમજ અન્‍ય બે થી ત્રણ મોટા ઉદ્યોગો આવેલા છે. જેમાં મોટે ભાગે વિદેશી નાગરિકો,આંતરરાજ્‍યના તથા વિવિધ જિલ્લાઓના નાગરિકો, વેપારીઓ, ટેકનિશ્‍યનો વિવિધ કામકામ અર્થે આવતા જતા હોય છે અને તે ટૂંકા સમય માટે હોટલોમાં રોકાતા હોય છે. આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજિક તત્‍વો પણ જિલ્લામાં આવી જાય અને દેશ વિરોધી ભાંગફોડીયા પ્રવૃતિ કરે તેવી પૂરી શક્‍યતા રહેલી હોવાથી વલસાડ જિલ્લામાં ભાડેથી આવા તમામ સ્‍થળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખવી અને તેની ચકાસણી કરવી આવશ્‍યક છે. આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીના ઉપયોગથી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી પોલીસને ઓનલાઇન મળી રહે તે હેતુસર એપ “PATHIK” ( Program for Analysis of Traveler and hotel Informatics) ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ એપમાં દૈનિક ધોરણે દરેક સ્‍થાનિક હોટલ, ગેસ્‍ટ હાઉસ, રીસોર્ટ,ફાર્મ હાઉસ, ધર્મશાળા ધાબા-કલબ હાઉસ, મુસાફરખાના, ધાર્મિક સ્‍થળો તથા અન્‍ય સ્‍થળના સંચાલક, માલિક, ભાગીદાર જવાબદારોએ એન્‍ટ્રી કરવા માટે જાહેરનામું પ્રસિધ્‍ધ કરવા પોલીસ અધિક્ષકની કચેરી, વલસાડ દ્વારા કરાયેલી દરખાસ્‍તને ધ્‍યાને લઇ જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ જાહેરનામા દ્વારા હુકમ કર્યો છે. આ હુકમ 31 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રિસેપ્શન પર નેટ સાથે કોમ્પ્યુટર રાખવું પડશે
આ હુકમ અનુસાર સ્‍થાનિક હોટલ-ગેસ્‍ટ હાઉસ, રીસોર્ટ, ફાર્મ હાઉસ, ધર્મશાળા, ધાબા-ક્‍લબ હાઉસ, મુસાફરખાના, ધાર્મિક સ્થળો તથા અન્ય સ્થળોના માલિકે ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...