પગાર નહિ તો કામ નહિ:વલસાડ પાલિકાના 400 કર્મીની હડતાળ, આજે સફાઈ-પાણી વિતરણ ખોરવાશે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના ડેઈલી વેજીસ પર કામ કરતા 400 કામદારોને પગાર ન મળતા આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું - Divya Bhaskar
પાલિકાના ડેઈલી વેજીસ પર કામ કરતા 400 કામદારોને પગાર ન મળતા આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું
  • પગાર જમા ન થતાં બપોર પછી તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા જેથી નહિવત અસર
  • કાયમી અધિકારીઓ, કર્મીઓના પગાર અને પેન્શન હજુ બાકી

વલસાડ પાલિકામાં આયોજનના અભાવે વિવિધ ખાતામાં ફરજ બજાવતાં 400થી વધુ રોજમદારો અને કાયમી સંવર્ગના 250 કર્મચારીઓનો પગાર,નિવૃત કર્મીના પેન્શન પણ સપ્ટેમ્બરનો અડધો મહિનો પૂરો થઇ જવા મળ્યું નથી. રોજમદાર વર્ગના કર્મીઓને પગારના ફાંફા પડતાં મંગળવારે બપોરે 3 વાગ્યે હડતાળે ઉતરી ગયા હતા.

7 તારીખ થતાં પગારનો 15 તારીખે પણ હજુ ઠેકાણા નથી
વલસાડ પાલિકા પાસે સ્વભંડોળમાં દર વર્ષે ટેક્સની 12 કરોડની આવક છતાં કર્મચારીઓના પગારના ફાંફા પડી છે. પાલિકા પાસે દર માસે પગાર કરવાના પૈસા જ હોતા નથી.ઓગષ્ટનો પગાર પણ ઘોંચમાં પડતાં કર્મીઓ વિફર્યા હતા. અઠવાડિયાથી રોજમદારો પગાર માટે આંટાફેરા મારી રહ્યા હતા, પરંતુ નાણાં જમા થતાં જ પગાર કરી દઇશું તેવી હૈયાધરપત આપી હાલે એકાઉન્ટ શાખામાં પૈસા નથીનું રટણ ચાલૂ રખાયું હતું. આ સાથે કાયમી સંવર્ગના અધિકારીઓ કર્મીઓના પગાર ટલ્લે ચઢ્યા છે. રોજમદારોએ પાલિકામાં હડતાળ‌ પાડી હતી. 400 કર્મીઓ હડતાળ પર ઉતરતા બુધવારે સફાઈ અને પાણી વિતરણની વ્યવસ્થાને અસર થશે.

પગારનો ચેક બેંકમાં નાખ્યો, જમા ન થયો
પાલિકાના હિસાબી શાખા દ્વારા બેંકમાં પગારનો ચેક નાંખી દીધો છે,મળી જશે તેવી ખાત્રી આપી પરંતું કામદારોએ વિશ્વાસ જ કર્યો ન હતો. પાલિકા પરિસરમાં રોજમદારોએ પગાર નહિ તો કામ નહિ જેવા સૂત્રો ઉચ્ચારી તાત્કાલિક પગારની માગ કરી હતી.જ્યાં સુધી પગારની રકમ જે તે રોજમદારોના બેંક ખાતામાં જમા નહિ થાય અને તેનો ચોક્કસ ખાતરી ન મળે ત્યાં સુધી કોઇ સમાધાન નહિ તેવી ચીમકી આપી હતી.

આજે સફાઇ - પાણી વિતરણને અસર
ગુરૂવારે રોજમદારોએ તેમના ખાતામાં પગાર જમા ન થાય ત્યાં સુધી હડતાળ કરાશે તેવી પાલિકાને ચીમકી આપી છે,જેના કારણે પગારના નાણાં બેંક ખાતમાં જમા ન થશે તો સફાઇ સહિતની કેટલીક કામગીરી ખોટકાશે.પાલિકાના 400 રોજમદારોમાં મોટા ભાગે સફાઇ,ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને ડ્રેનેજની કામગીરીને અસર થવાની સંભાવના વર્તાઇ રહી છે.

નિયત સમયે પગાર ચૂકવી દેવાશે
રોજમદારોના પગારનો ચેક બેંકમાં નાંખી દીધો છે.હવે દર માસની 7 તારીખે પાલિકાના વર્ગ-3,પેન્શનરો અને રોજમદારોનો પગાર કરી દેવા હિસાબી શાખાને સૂચના આપી છે. કાયમી કર્મીઓના પગાર પણ નિયત સમયે પગાર થાય તેવું આયોજન પણ કરાશે. - જે.યુ.વસાવા,ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...