દાનહના દુધની સરકારી પ્રાથમિક શાળાના 400થી વધુ વિદ્યાર્થીઓએ મંગળવારે બોટ અથવા બસની સુવિધાની માગ સાથે શાળા પરિસર આગળ હડતાળ ઉપર ઉતર્યા હતા અને જ્યાં સુધી પ્રશાસન સુવિધા ઉભી ન કરે ત્યાં સુધી શિક્ષણ કાર્યથી અલિપ્ત રહેવાની ચિમકી આપી હતી.
સંઘ પ્રદેશ દાનહમાં આઝાદીના 7 દશક બાદ પણ અંતરીયાળ ગામનો વિકાસ થઇ શક્યો ન હોવાથી આજે પણ આ ગામના હજારો લોકો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.અહીંના દૂધની ગામની સરકારી શાળામાં અભ્યાસ કરવા આવતા ડેમના કેચમેન્ટ એરિયાના 5 ગામના આશરે 400થી વધુ વિદ્યાર્થીઓને પ્રશાસન દ્વારા બોટ કે બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં ન આવતા આ વિદ્યાર્થીઓએ 5 કીમી ચાલીને શાળાએ આવવું પડે છે.
આમતો દુધની ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધુબન કેચમેન્ટ એરિયામાં ગયેલા આંબાબારી, ઉમરમાઠા, કરચોન્ડ, ઉપલામેઢા, સીંગડોંગરી સહિત નજીકના ગામના 400થી વધુ વિદ્યાર્થીઓ રોજ નદીને પાર કરવા બોટ કે બસની સુવિધા પ્રશાસન દ્વારા ફાળવવામાં આવી ન હોવાથી રોજ રસ્તા માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલીને શાળાએ આવવુ પડતું હોય છે.
વિદ્યાર્થીઓની ઘણા સમયથી બસ અથવા બોટની સુવિધાની માગ ન સંતોષાતા રોષે ભરાયેલા આ વિદ્યાર્થીઓએ મંગળવારે શાળા પરિસરમાં હડતાલ પર ઉતર્યા હતા.વિદ્યાર્થીઓની માંગ છે કે તેઓ માટે પ્રશાસન દ્વારા જો બોટ અથવા બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો હડતાળ ચાલુ રાખશે. ઉપરોક્ત ગામના 400થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહી છે.
હડતાળની જાણ થતા અધિકારીઓ દોડતા થયા
દુધની પ્રાથમિક શાળાના 400થી વધુ વિદ્યાર્થીઓએ બસ અથવા બોટની સુવિધાની માગ સાથે મંગળવારે હડતાળ ઉપર ઉતરી ગયાની જાણ થતા પ્રશાસનિક અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.