વલસાડ જિલ્લામાં ગણપતિ, દશામા, છઠ પૂજા, દુર્ગા પૂજા વગેરે ધાર્મિક મહોત્સવ દરમિયાન દેવી-દેવતાઓ/ ગણપતિજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. જે અંતર્ગત ગત વર્ષે જાહેરનામા દ્વારા મૂર્તિની ઊંચાઇ બેઠક સહિત 4 ફૂટથી વધુ ન હોય તે રીતે આયોજન કરવા જણાવાયું હતું. જેના સંદર્ભે મૂર્તિ બનાવનારા તથા આયોજકો તરફથી ઓર્ડર આપી દેવાયેલો હોવાની રજૂઆત કરી મૂર્તિ સ્થાપન માટે જૂદા-જૂદા આયોજકો, સ્થાપકો અને મૂર્તિકારો તરફથી છૂટછાટ મળવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.
ગત વર્ષે મળેલી રજૂઆતોને લક્ષમાં રાખી લોકોની લાગણી ન દુભાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ એક જાહેરનામા દ્વારા આ વર્ષે અગમચેતીના ભાગરૂપે ધાર્મિક તહેવારો અને મહોત્સવમાં સ્થાપના કરવામાં આવનારી મૂર્તિની ઊંચાઇ બેઠક સહિત 4 ફૂટની રાખવા જણાવ્યું છે. મૂર્તિકારોએ પણ બેઠક સહિત 4 ફૂટથી વધુ ઊંચાઇની મૂર્તિઓ બનાવવી નહીં કે તેનો ઓર્ડર લેવો નહીં. જો તેમ કરવામાં આવશે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમ 2022ના વર્ષમાં ગણપતિ, દશામાના તહેવારો પૂરતો અમલી રહેશે, એમ પણ જાહેરનામામાં જણાવાયું છે.
વલસાડ જિલ્લા કલેક્ટરે સમયસર જાહેરનામું પ્રસિદ્ધ કરીને મૂર્તિકારો અને ગણશે મંડળ આયોજકોને સમયસર માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું ઘણા મંડળના આયોજકો અને મૂર્તિકારોએ જણાવ્યું હતું. ગણેશ સ્થાપનામાં મૂર્તિની હાઈટ નક્કી કરવામાં આવી હોવાથી મંડળોને શ્રીજીની પ્રતિમા અને ડેકોરેશન અંગે પસંદગી કરવાનો સમય મળી રહેશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.