વિધાનસભાની ચૂંટણી:વલસાડ જિલ્લાની 5 બેઠકો પર અત્યારસુધીમાં 61 ફોર્મ ઉપડ્યાં, માત્ર પારડી બેઠક પર એક ફોર્મ ભરાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારની બેઠક પર અત્યાર સુધીમાં કુલ 61 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે પરંતુ હજુ સુધી એક માત્ર પારડી બેઠક ઉપર જ 1 ઉમેદવારી પત્ર ભરાયું છે. તા.10 નવેમ્બરને ગુરૂવારે પારડી મામલતદાર કચેરી ખાતે પારડી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એસ.ડી.પટેલ સમક્ષ પારડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કનુ મોહનલાલ દેસાઈએ ફોર્મ ભર્યું છે. જ્યારે ડમી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશકુમાર મોહનલાલ દેસાઈએ ફોર્મ ભર્યું છે.

પારડી સિવાય વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામ બેઠક પર હજુ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી. ત્યારે હવે તા. 11 નવેમ્બરને શુક્રવારે પાંચેય બેઠક પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાઈ એવુ જણાય રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં આગામી તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોવાથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જિલ્લામાં તા. 5 નવેમ્બરથી તા. 10 નવેમ્બર સુધીમાં કુલ 61 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે, જેમાંથી સૌથી વધુ 18 ફોર્મ 178-ધરમપુર(અ.જ.જા) વિધાનસભા મતદાર વિસ્તારના ઉમેદવારો લઈ ગયા છે જયારે સૌથી ઓછા 8- 8 ફોર્મ 180- પારડી અને 182- ઉમરગામ (અ.જ.જા) બેઠક પરના ઉમેદવારો લઈ ગયા છે. જ્યારે 179- વલસાડ બેઠક પર 14 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે. 181- કપરાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર બેઠક પર 13 ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...