વલસાડ નગરપાલિકા દ્વારા 2016માં પ્રોજેક્ટ મૂકાયા બાદ 2018માં નિર્માણ કરાયેલા વિશાળ શોપિંગ મોલમાં મોટી ઓફિસોને લેનાર કોઇ ન મળતાં આખરે નાની દૂકાનોની હરાજી કરાશે.આ માટે પાલિકા સમક્ષ હવે નવા અરજદારો દ્વારા પ્રતિસાદ મળતાં દેવામાં ડુબેલી પાલિકાની આવક વધારવાના શાસકોના પ્રયાસોને સફળતા મળવાના સંકેત મળ્યા છે.
વલસાડ નગરપાલિકાની સ્વભંડોળની વાર્ષિક 12 કરોડની આવક સામે કાયમી,હંગામી કર્મચારીઓના માસિક પગાર,નિવૃત્ત કર્મચારીઓના પેન્શનની ચૂકવણી ઉપરાંત શહેરીજનોને અપાતી પ્રાથમિક સુવિધાઓ ડ્રેનેજ,વોટર સપ્લાય,સફાઇ,ગાર્બેજ કલેકશન, સ્ટ્રીટલાઇટના મેઇનટેનન્સના કામો, ડ્રેનેજના ચેમ્બરો, ઢાંકણાં, નવી સ્ટ્રીટલાઇટ નાંખવા સહિતના રૂટિનના કામોના ખર્ચ માટે પાલિકાની આવકમાં વધારો કરવા નવી એસેટ ઉભી કરવા 2016માં તત્કાલિન પ્રમુખ સોનલબેન સોલંકીએ રાજ્ય સરકાર સમક્ષ પ્રોજેક્ટ મૂકતાં સરકારની મંજૂરી મળી હતી.
જેના પગલે પાલિકા કચેરી સામે પ્લોટમાં ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો નવો શોપિંગ મોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે 2018માં તૈયાર થઇ ગયું હતું,પરંતુ તેમા મોટી ઓફિસોનું આયોજન કરાતા નોટબંધી સહિતના પરિબળોના કારણે મોલનો ઉકેલ વણઉકેલ્યો રહ્યો હતો.આ શોપિંગ મોલમાં નાના ક્ષેત્રફળની દૂકાનો બનાવી નાના વેપારીઓ માટે ઉપયોગી બને તેવું આયોજન કરવા પાલિકાના નવા સીઓ સંજય જોશીએ ખાસ રૂચિ દાખવી શોપિંગ મોલનો ઉકેલ લાવવાના પ્રયાસો કરતા મામલો થાળે પડ્યો છે.
પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીએ જણાવ્યું કે, વલસાડ પાલિકાની આવકનો સ્ત્રોત વધારવા માટે નવો શોપિંગ મોલ બનાવવામાં આવ્યો હતો.જેનાથી પાલિકા દ્વારા શહેરીજનોની સુવિધાના કામો માટે થતાં ખર્ચમાં પાલિકાને રાહત મળશે.
નાની દૂકાનો લેવા સારો પ્રતિસાદ મળ્યો
પાલિકાના નવા શોપિંગ મોલમાં હવે મોટી ઓફિસોની જગ્યાએ નાની દૂકાનો બનાવવામાં આવી રહી છે અને તેના માટે નાના મોટા વેપારીઓ દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આનાથી પાલિકાની આવકનો નવો સ્ત્રોત ઉભો થશે. > કિન્નરી અમિષ પટેલ, પ્રમુખ, પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.