મુસાફરોને હાલાકી:વલસાડ ST નિગમના કંટ્રોલ પોઇન્ટ્સના ફોન વેકેશનમાં જ મૂંગામંતર

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ એસટી ડેપો ઉપર બસરૂટ, રિઝર્વેશન સહિતની પૂછપરછ કરવી મુશ્કેલ બની

ગુજરાત અને દેશભરમાં ભારતીય દુરસંચાર નિગમની સેવા ખાડે ગયેલી છે અને તેને આંશિક રીતે ખાનગી ધોરણે ચલાવવામાં આવી રહી છે પરિણામે ટેલિફોન સેવા કથળી રહી છે.વલસાડ એસટી વિભાગના અનેક ડેપો અને કન્ટ્રોલ કેબિનોના બીએસએનએલના ફોન મૂંગામંતર બની ગયા છે.જેના પગલે વેકેશનના માહોલમાં મુસાફરોને એસટી બસોની ઇન્કવાયરી કરવી મુશ્કેલ બની ગયું છે.આ મામલે ઉઠેલી ફરિયાદના પગલે મુદ્દો ગુજરાત વાહન વ્યવહાર મંત્રી સુધી પહોંચ્યો છે.

ગુજરાત એસટી દ્વારા રાજ્યના દરેક કંટ્રોલ પોઇન્ટ- બસ સ્ટેશન ખાતે બીએસએનએલના ડબલાં ફોન કાર્યરત છે જે વારંવાર ઠપ્પ થઈ જાય કે બગાડી દેવામાં આવે કે રિસીવર ઉંચકી મૂકવામાં આવે છે, જેથી ઓનલાઇન બુકિંગ ના જમાનામાં કે ઇન્કવાયરી માટે મુસાફરો ભારે દુઃખી થઇ રહ્યા છે. છેલ્લા ચારેક દિવસમાં બીલીમોરા ડેપોનો 284414, ધરમપુર ડેપોનો 242023,નવસારીનો 258976 કે વલસાડ ડેપોનો 244161 નંબરના ટેલિફોનની બિનકાર્યક્ષમતાથી હજારો મુસાફરો યાતના ભોગવી રહ્યા છે.

મુસાફરો ડેપોમાં ફોન કરી કઇ બસ કેટલા વાગે આવે છે કે રિ‌ઝર્વેશન સહિતની પૂછપરછ કરી શકતા નથી,તેવા સંજોગોમાં એસટીના બીએસએનએલના ફોન ખોટકાતા મુશ્કેલી સર્જાઇ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા ખેરગામ યુવાશક્તિ મંડળ દ્વારા ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવામાં આવી છે.જેમાં વલસાડ એસટી વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા વલસાડ,નવસારી,વાપી,ઉમરગામ,આહવા,બીલીમોરા ડેપોમાં બીએસએનએલના ફોન સેટના બદલે કન્ટ્રોલ કેબિનમાં બેસતા કર્મચારીઓને મોબાઇલ ફોન આપવા માગ કરાઇ છે.

ધરમપુર એસટી ડેપોનો ફોન બદલાયો છતાં ચાલતો નથી
વલસાડ એસટી વિભાગના કાર્યક્ષેત્રમાં આવતાં ધરમપુર એસટી ડેપોનો ફોન તો છેલ્લા ચાર દિવસથી બંધ છે. ડેપો મેનેજરનું ધ્યાન દોર્યું તો તેઓ કહે છે કે ટેલિફોનવાળા ફોનનું ડબલું બદલી ગયા પણ ચાલતો નથી. જેથી મુસાફરોએ ડેપો સુધી લાંબા થવું પડે છે અથવા ખાનગી હેરફેરમાં જવું પડે છે. ફોન બગડી જાય તો એસટીના તમામને રાહત થઇ જાય છે, કારણ કે ફોન પર જવાબ આપવાની માથાકૂટમાંથી છુટકારો મળી જાય છે.

તમામ ડેપોને મોબાઇલ આપો, ફોનના ડબલાં ઉઠાવો એવી માગ
હાલના ઇન્ટરનેટ યુગમાં દરેક ડેપો કન્ટ્રોલ પોઇન્ટને કમ સે કમ ઇન કમિંગની સુવિધા વાળા સાદા મોબાઈલ આપવાની માગ ખેરગામ યુવાશક્તિ મંડળના પ્રમુખ વિનોદકુમાર મિસ્ત્રીએ કરી છે.મોબાઇલ આપવાથી ફોન બગડવાનો-બંધ રહેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થશે નહિ. મોબાઈલ આજના સમયની માંગ છે અને બીએસએનએલ કે ખાનગી ઓપરેટરના પણ ઠેકાણા નથી. ફિક્સ બિલ ભરવામાંથી એસટીને ઘણી મોટી આર્થિક બચત થશે અને પૂછપરછના મુસાફરોને કાયમી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...