યુવાનોને સંદેશ આપતી ફિલ્મ:વાપીમાં 'બસ એકવાર' ફિલ્મના શુટિંગનો પ્રારંભ, વાપી, દમણ અને સુરતના કલાકારોને અપાયું છે પ્રાધાન્ય

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બૉલીવુડની હિન્દી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મો પણ સારા ઉદેશ્ય સાથે બની રહી છે. સામાજિક સંદેશ આપતી આવી ફિલ્મોમાં વધુ એક ફિલ્મ 'બસ એક વાર' આબે ગ્રુપ પ્રોડક્શન દ્વારા બનાવવામા આવી છે. ફિલ્મના મુહૂર્ત શોટ્સ સાથે શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રવિવારે વાપી નજીક ટુકવાડા ખાતે ફિલ્મના શૂટિંગના પ્રથમ શોટ્સ લેવામાં આવ્યા હતાં. આ ફિલ્મમાં સ્થાનિક કલાકારો સાથે હિન્દી સિરિયલ 'વાગલે કી દુનિયા'થી જાણીતી બનેલી પ્રાપ્તિ શુક્લા મુખ્ય લીડ રોલ માં છે. જ્યારે હીરો તરીકે સુરતનો સમીર પટેલ છે.

ગુજરાત સહિત દેશના યુવાનો કઈ રીતે ડ્રગ્સના રવાડે ચડી જિંદગી બરબાદ કરી નાખે છે. તે અંગે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યૂસર શનાભાઈ પટેલે કલાકારો અને પ્રોડક્શન યુનિટ સાથે વાપી નજીક ટુકવાડા ખાતે 'બસ એક વાર' ફિલ્મના મુહૂર્ત શોટ્સ સાથે ફિલ્મ શૂટિંગનો પ્રારંભ કર્યો છે. આ ફિલ્મ ગુજરાતમાં ડ્રગ્સના દુષણમાં ફસાતા યુવાનો માટે લાલબત્તી સમાન સામાજિક સંદેશ પર આધારિત છે. ફિલ્મમાં સ્થાનિક કલાકારો સાથે હિન્દી સિરિયલ વાગલે કી દુનિયા થી જાણીતી બનેલી પ્રાપ્તિ શુક્લા મુખ્ય લીડ રોલ માં છે. જ્યારે હીરો તરીકે સુરતનો સમીર પટેલ છે. ફિલ્મ અંગે પ્રોડકશન મેનેજર વસંત પટેલે જણાવ્યું હતું કે, 'બસ એક વાર' ફિલ્મનું શૂટિંગ વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તાર સહિતના વિવિધ લોકેશનો પર અને દમણ, સેલવાસના પ્રવાસન સ્થળો પર કરવામાં આવશે. અંદાજિત 35 જેટલા લોકેશન પર આ ફિલ્મ શૂટ કરવામાં આવશે. ફિલ્મમાં હીરો હિરોઈન ઉપરાંત 70 થી વધુ સ્થાનિક કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ હાલમાં યુવા પેઢી કઈ રીતે ડ્રગ્સના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહી છે. ડ્રગ્સ માફિયાઓ કઈ રીતે યુવાનોને ડ્રગ્સની લત લગાડે છે તેના પર આધારિત દસ્તાવેજી ફિલ્મ છે. લોકોને જાગૃત કરવા પ્રોડ્યુસર સનાભાઇ પટેલ આ ફિલ્મ નિર્માણ કરી રહ્યા છે.

ફિલ્મ 'બસ એક વાર' અંગે ડાયરેકટર કમ રાઇટર સ્નેહલ શાહે જણાવ્યું હતું કે, વાપી સહિત વલસાડ જિલ્લાના આ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી તેઓ સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. અભિનયક્ષેત્રે તેમને સ્ટેજ મળે તે માટે વર્ષમાં એકાદ બે ફિલ્મ આ વિસ્તારમાં બનાવતા આવ્યા છે. આવા જ કલાકારોને પ્રોત્સાહન મળે, ફિલ્મથી સમાજને એક સારો સંદેશ મળે તે માટે આ પારિવારિક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ડ્રગ્સથી લોકોને કઈ રીતે દૂર રાખવા તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આબે ફિલ્મ પ્રોડક્શનના પ્રોડ્યુસર સનાભાઇ પટેલે જણાવ્યું હતું કે આ તેમની બીજી ફિલ્મ છે. 92 વર્ષની વયે પણ તેઓ આ ફિલ્મ બનાવી રહ્યા છે. સમાજને જાગૃત કરતી પાંચ જેટલી ફિલ્મો બનાવવાનો ધ્યેય છે. ફિલ્મો થકી સરકારને અને સાહિત્ય મારફતે સમાજમાં સામાજિક જાગૃતિ માટે ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મ પૂર્ણ થયા બાદ રાજ્યના 18000 ગામમાં ફરીને સમાજ જાગૃતિનો સંદેશો આપશે. સમાજ ઉપયોગી ફિલ્મ બનાવવા માટે તેઓ પોતાની મૂડી ખર્ચી રહ્યા છે જે માટે સરકાર પાસે કોઈ જ અપેક્ષા નથી રાખતા. સમાજમાં શાળા કોલેજમાં ડ્રગ્સ નું વ્યસન વધી રહ્યું છે. વાલીઓ પાસે સમય નથી એટલે વાલીઓ અને યુવાનોને જાગૃત કરવા આ ફિલ્મનો પ્રચાર દરેક ગામમાં ફરીને કરશે.

ફિલ્મમાં મુખ્ય લીડ રોલ નિભાવતી અભિનેત્રી પ્રાપ્તિ શુક્લાએ જણાવ્યું હતું કે આ ફિલ્મની સ્ટોરી ખુબ જ સારી અને યુનિક સ્ટોરી છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે ત્યારે દરેક વર્ગને ગમશે. પ્રાપ્તિ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે તે હાલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેની સાથે સાથે હિન્દી સીરીયલ વાગલે કી દુનિયામાં કામ કરી રહી છે. એ ઉપરાંત એક આલ્બમ સોંગમાં પણ કામ કર્યું છે. પોતે મૂળ ગુજરાતી હોય ગુજરાતી ભાષાના ગૌરવ માટે આ ફિલ્મ સાઇન કરી છે. વાગલે કી દુનિયામાં તેના અભિનયથી લોકો તેને ઓળખતા થયા છે. આ ફિલ્મમાં તેનો મુખ્ય લીડ રોલ છે ફિલ્મ સસ્પેન્સ ટાઈપ હોય વધુ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

ફિલ્મ 'બસ એક વાર' મુહૂર્ત શોર્ટ્સમાં ઉપસ્થિત રહેલા મુખ્ય અતિથિ અને સમાજસેવી એવા પંકજ બોરલાઈવાળાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ જે ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહી છે તે સમાજ ઉપયોગી છે. ગુજરાતમાં પણ હવે આવા સામાજિક ટોપીક પર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મો બની રહી છે. સમાજને જાગૃત કરી રહી છે તે આવકારદાયક છે. ગુજરાતના સ્થાનિક કલાકારો આગળ વધે તેવો ઉદેશ્ય ફિલ્મના પ્રોડઉસરનો છે. એટલે ફિલ્મ સફળ થાય તેવી શુભકામના પાઠવી હતી. અને આ ફિલ્મ નો બીજો ભાગ બનાવવો પડે એટલી સફળ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે 'બસ એક વાર' ફિલ્મમાં અભિનેતા તરીકે સુરતના જાણીતા કોરીયોગ્રાફર સમીર પટેલ છે. જેણે એક ડ્રગ એડિકટ યુવાનનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ અભિનેત્રી પ્રાપ્તિ શુક્લાની આસપાસ ગૂંથાયેલી છે. એ ઉપરાંત ફિલ્મમાં શરદ શર્મા, વિક્રમસિંહ જેવા કલાકારો તેમજ વસંત પટેલથી માંડીને 70 જેટલા સ્થાનિક કલાકારો કામ કરી રહ્યા છે. દોઢેક કરોડથી વધુના બજેટમાં બનનારી આ ફિલ્મ હિન્દી ફિલ્મની ટેકનોલોજી મુજબ નિર્માણ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...