મતદારો કંટાળ્યા:મતદારયાદી સુધારણામાં અમુક બુથ પર સર્વર ડાઉન સમસ્યાએ મથાવ્યા

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નામ, સરનામા, કમી વિગેરે સુધારા માટે આવેલા મતદારો કંટાળ્યા

વલસાડ જિલ્લામાં મતદારોને આગામી વિધાનસભાની ચૂંટણીની મતદારયાદીમાં સુધારો કરાવવા છેલ્લા રવિવારે મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ બીએલઓના મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન સુધારા રજિસ્ટ્રેશનના ફોર્મ સબમીટ કરવા અમુક બુથ ઉપર નેટવર્કનો તો સર્વરનો પ્રશ્ન ઉભો થયો હતો.સબમિશનમાં એરર બતાવતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લાના અંતરિયાળ સહિતના તાલુકાઓમાં 1300થી વધુ બુથ ઉપર છેલ્લા એક માસથી દર રવિવારે શરૂ કરાયેલી કામગીરી વચ્ચે છેલ્લા રવિવારે સર્વર ડાઉન તો નેટવર્કની મુશ્કેલી ઉભી થઇ હતી.જે પૈકી અમુક બુથો ઉપર 2 કલાકનો સમય વેડફાઇ ગયો હતો. જેને લઇ મતદારો પણ કંટાળ્યા હતા.જો કે ત્યારબાદ નેટવર્ક અને સર્વર નિયમિત થતાં નોંધણી કામગીરી પૂર્ણ કરી શકાય હતી.

મતદારયાદી સુધારણા સાથે આ વખતે મતદારોના ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવા માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ 1 માસની કામગીરી વચ્ચે મતદાન મથકોની મુલાકાત પણ લીધી હતી.જો કે છેલ્લા રવિવારે ક્યાંક સર્વર તો ક્યાંક નેટર્વકની સમસ્યા ઉભી થઇ હતી.

બપોર બાદ આ મુશ્કેલી આવતા મતદારોમાં ગણગણાટ ઉભો થયો હતો.જો કે બાદમાં નેટવર્ક અને સર્વર રેગ્યુલર થઇ જતાં આ સમસ્યા દૂર થઇ ગઇ હતી.કેટલીક જગ્યાએ નેટવર્કનો પ્રશ્ન ઉભો થતાં બીએલઓને બુથબહાર નિકળીને જઇને મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા મથામણ કરવી પડી હતી.બીએલઓ દ્વારા સતત પ્રયાસો કરતાં છેવટે સર્વર રેગ્યુલર થતાં કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મેળ‌વી હતી.

જિલ્લા કલેકટરે સતત નિગરાની રાખી
મતદાર યાદીના સુધારા માટે આવતા મતદાતાઓ માટેની જરૂરી વ્યવસ્થાઓમાં કોઇ પણ અવરોધ ન આવે તે માટે કલેકટર અને ઓબ્ઝર્વર દ્વારા સમીક્ષા બેઠકો લેવાઇ હતી. બીએલઓ સાથે પરામર્શ કરી સૂચનો કરાયા હતા.જો કે છેલ્લા રવિવાર 11 સપ્ટેમ્બરે સર્વર ડાઉન અને નેટવર્કને લઇ થોડો સમય ટેક્નિકલ મુશ્કેલીએ બીએલઓ અને અરજદારોને મથાવ્યા હતા.

સુધારા માટે 1.35 લાખથી વધુ ફોર્મ ભરાયા
વલસાડ જિલ્લામાં મતદાર યાદીમાં નામ,સરનામા સહિતના સુધારાવધારા માટે અંદાજિત 1.35 લાખથી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા.જો કે હજી ચોક્કસ ફોર્મ સબમિશનનો આંકડો સોમવારે જાણવા મળશે. આ અગાઉ ત્રીજા રવિવાર સુધી ફોર્મ નં.6- 16506, ફોર્મ નં. 6-ખ - 89027, ફોર્મ નં.7- 4086 અને ફોર્મ નં.8 - 8781 મળીને 118400 ફોર્મ્સ બીએલઓને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...