નિર્ણય:વલસાડમાં યોજાનારો સરપંચ અભિવાદન કાર્યક્રમ રદ કરાયો

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે આદિજાતિ મંત્રી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવાનો હતો
  • મંત્રી જિતુ ચૌધરી કાર્યક્રમ બાદ પોઝિટિવ આવતા લેવાયેલો નિર્ણય

વલસાડમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિના પગલે ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા તાલુકાના તમામ સરપંચોનું 7 જાન્યુઆરી 2021ના રોજ નિર્ધારિત કરાયેલ સન્માન સમારોહ રદ કરવાની નોબત આવી છે.તાલુકા ભાજપે કોવિડ-19ની ગાઇડલાઇનને ધ્યાને રાખી આ કાર્યક્રમ પડતું મૂક્યું છે. રવિવારે નાનાપોંઢામાં ધરમપુર અને કપરાડા તાલુકાના સરપંચના અભિવાદન સમારંભ બાદ મંત્રી જિતુ ચૌધરી કોરોના પોઝિટિવ આવ્યાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં રજૂ કરાયો હતો.

વલસાડ તાલુકામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ભાજપ સર્મર્થિત વિજેતા જાહેર થયેલા તમામ ગામના સરપંચોનું જાહેર અભિવાદન કરવા વલસાડ તાલુકા ભાજપ દ્વારા 7 જાન્યુઆરી શુક્રવારે વલસાડમાં આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલની અધ્યક્ષતામાં સમારંભનું આયોજન કર્યું હતું.

સમારોહમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પ્રભારી મંત્રી શીતલ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ હેમન્ત કંસારા, જિલ્લા સંગઠન પ્રભારી મંત્રી મધુભાઇ કથરિયા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ ઉપસ્થિત રહી સરપંચોનું સન્માન કરવાનું આયોજન હતું. પરંતું રોકેટ ગતિએ વલસાડ સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં ભારે વધારો થતા કોવિડ-19ના નિયમોને ધ્યાને લઇ તાલુકા ભાજપ અને ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા હાલ સરપંચ અભિવાદન સમારોહને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોના સંક્રમિત જિતુભાઇ ચૌધરીને પણ આમંત્રણ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...