વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલા પારસી ધર્મસ્થાન કીર્તીસ્તંભ તેમજ ઉદવાડા વિસ્તારના વિકાસ માટે કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની મુલાકાત લીધી હતી. સચિવે સૌ પ્રથમ પારડી તાલુકાના ઉદવાડા ખાતે પારસીઓના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરજી (કેન્દ્રીય રાષ્ટ્રીય લઘુમતી કમિશનના માજી સભ્ય)ની શુભેચ્છા મુલાકાત કરી પારસીઓની પવિત્ર અગિયારી ‘આતશ બહેરામ’ની મુલાકાત કરી હતી.
સચિવ મુખમિત ભાટિયાએ આ સ્થળોની મુલાકાત લઈ આગેવાનોના આ વિસ્તારોના વિકાસ અંગેના મંતવ્યો મેળવ્યા હતા. વિકાસ અંગે રજૂ કરાયેલા મંતવ્યોને સાંભળી જરૂરી સૂચનો કરી જિલ્લા વહીવટીતંત્રને આ રજૂઆતોના આધારે જરૂરી જણાતા કામોનું આયોજન કરવા જણાવ્યું હતું. કીર્તીસ્તંભ ખાતે પારસીઓના આગમન ચિન્હ વહાણનું સ્ટ્રક્ચર બનાવવા, નવી દિવાલ બનાવવા અંગે, ગાર્ડન બનાવી શુશોભિત કરવા અંગે પણ સૂચનો કર્યા હતા.
સંજાણ ખાતે કીર્તીસ્તંભ અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે સ્થળ મુલાકાત કરી વલસાડ કલેક્ટર ક્ષિપ્રા એસ. આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની અને વડા દસ્તુરજીની ઉપસ્થિતિમાં બેઠક કરી હતી. જેમાં કીર્તીસ્તંભ અને આસપાસના વિસ્તારના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડ અને પારડી પ્રાંત અધિકારીઓ નિલેશ કુકડિયા અને ડી.જે.વસાવા પણ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. સાથેસાથે સચિવશ્રીએ સંજાણ ખાતે અગિયારીની પણ મુલાકાત લીધી હતી. સચિવે પારસીઓના ઈતિહાસને ઉજાગર કરતા ઉદવાડા ખાતે આવેલા ઝોરાષ્ટ્રીયન ઈન્ફોર્મશન સેન્ટર (પારસી મ્યુઝિયમ) ની અને દરિયા કિનારાના વિકાસ માટે મુલાકાત કરી હતી. તેમજ પારસી મ્યુઝિયમની વિઝિટર બુકમાં પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. તેમજ ઉદવાડા રેલવે સ્ટેશનની મુલાકાત કરી પાર્કિંગ તેમજ જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.