પેટા ચૂંટણીની તૈયારી:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની 30 ઓકટોબરે ચૂંટણી યોજાશે, ભાજપે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરી

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય રેલવે મંત્રી અને દાનહ બેઠકના પ્રભારી અશ્વિની વૈષ્ણવે સેલવાસની મુલાકાત કરી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારની જાહેરાત નથી કરી.પરંતુ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અને પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની બેઠકનો દોર શરૂ થઇ ગયો છે. આજે કેન્દ્રીય રેલવે મંત્રી અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશ્વિની વૈષ્ણવ દાદરા નગર હવેલી મુલાકાતે હતા. તેમની સાથે આ લોકસભા બેઠકના ભાજપના સહપ્રભારી એવા ગુજરાતના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા અને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અશ્વિની વૈષ્ણવે આજે સેલવાસમાં ભાજપના કાર્યાલય પર દાદરા નગર હવેલીના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે એક વિશેષ બેઠક કરી હતી.આ બેઠકમાં આ ચૂંટણીમાં ભાજપની રણનીતિ અને ચૂંટણીના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આ પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારના નામો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે હજુ સુધી ભાજપના અગ્રણીઓ ઉમેદવારોનું નામ જાહેર નથી કર્યું. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા પૂર્વ સાંસદ નટુભાઇ પટેલ, દાદરાનગર હવેલીના ભાજપના પ્રદેશ મહામંત્રી જીતુ માઢા, યુવા અગ્રણી અંકિતા પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મહેશ ગાવિતના નામોની ચર્ચા ચાલી રહી છે.

મહત્વપૂર્ણ છે કે દાદરા નગર હવેલી લોકસભા બેઠકના અપક્ષ સાંસદ મોહન ડેલકરે મુંબઈની એક હોટેલમાં આપઘાત કરી લેતા તેમના અપમૃત્યુને કારણે ખાલી પડેલી આ બેઠક પર મોહન ડેલકરનો પરિવાર પણ ચૂંટણી લડવા અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જોકે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ પણ ફાઇનલ નથી કરવામાં આવ્યા પરંતુ ટૂંક સમયમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની સાથે આ વખતે ભાજપ પૂરી તૈયારી સાથે આ બેઠક જીતવા ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવો આત્મવિશ્વાસ બેઠકના પ્રભારી અને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...