તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર બેફિકર:ઔરંગા નદીમાં ડ્રેજિંગના નામે રેતીખનન, HT ટાવરને જોખમ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાવરથી માત્ર 20 મીટરના અંતરે જ જોખમી ડ્રેજિંગ, રેતીખનન સામે તંત્ર નહિ જાગે તો કાંઠાના ગામોને ભારે નુકસાનની ભીતિ

વલસાડના હનુમાનભાગડા અને ભદેલીની સીમમાંથી વહેતી ઔરંગાનદીને ઉંડી કરવા માટે સરકાર દ્વારા ડ્રેજિંગ કરી નદીના પાળા બનાવવાની કામગીરી અમદાવાદની એજન્સીને સોંપવામાં આવતા મોટા મશીનોથી ડ્રેજિંગના નામે મોટા પાયે નદીમાંથી રેતીખનનનો વેપલો ચાલી રહ્યો હોવાની બુમરાણ ઉઠી છે.ઔરંગા નદીના પટ નજીક આવેલા હાઇટેન્શન ટાવરને ડ્રેજિંગ અને રેતીખનનથી મોટું જોખમ ઉભું થયું છે.આ મામલે વહીવટી તંત્ર અને ખાણ ખનિજ તંત્ર મૌન રહેતાં દરિયા અને નદી કાંઠાના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ઔરંગાનદીના પટમાંથી છેલ્લા 2 વર્ષથી બેફામ રેતીખનનની કાર્યવાહી સામે ગ્રા્મજનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.ડુંગરી નજીકના કાંઠાના ગામોના સરપંચોએ આ મામલે વારંવાર વહીટવટી તંત્રને આવેદન પત્રો આપી વિરોધ નોંધાવ્યો છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે.

વલસાડ તાલુકાના હનુમાનભાગડા અને ભદેલી ગામની સીમમાંથી વહેતી ઔરંગાનદીના પટ પર આવેલા વીજળીના હાઇટેન્શન ટાવરથી માત્ર 20 મીટર દૂરથી નદીમાં ભારે ડ્રેજિંગ અને રેતીખનન થતાં જમીન કિનારાના ધોવાણનું મોટું જોખમ ઉભું થયું છે.જો સતત ડ્રેજિંગ અને રેતીખનનની બેફામ પ્રવૃત્તિ ચાલૂ રહેશે તો ચોમાસામાં ઔરંગાનદીના ભારે પૂરના પાણીના ધસમસતા પ્રવાહથી કિનારાનું સખત ધોવાણ હાઇટેન્શન ટાવરના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થવાની સંભાવના પ્રબળ બની છે.આ સાથે રેતીનું ખનન થતાં કિનારાના ગામોની જમીનો પણ નદી વિસ્તારમાં ડૂબાણમાં જાય તેવી ભીતિ ગ્રામજનોમાં ઉઠી છે.

હાઇટેન્શન ટાવરથી 200 મીટરનું અંતર જાળવવા આંખ આડા કાન
વલસાડના હનુમાનભાગડા અને ભદેલી ગામેથી પસાર થતી વિજળી વિભાગની હાઇટેન્શન લાઇન માટે ટાવરો ઊભા કરાયા છે.અહિના એક ટાવરને ચાર પિલર પર ઉભું કરાયું છે.નદીના કાંઠાના ધોવાણથી નદીનો કિનારો ટાવરથી હવે 20 મીટર જેટલું થોડે દૂર જ રહી ગયું છે.ડ્રેજિંગ સહિતની પ્રવૃત્તિ માટે હાઇટેન્શન ટાવરથી 200 મીટરનું અંતર જાળવવું જરૂરી છે,પરંતુ ડ્રેજિંગ 20 મીટરના અંતરે જ કરાતા આગળ જતાં ટાવરને ગંભીર જોખમ ઉભું થવાની ભીતિ દર્શાવાઇ રહી છે. રેતી ખનન અને મહારાષ્ટ્રમાં રેતી લઇ જવાના મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે.

કાંઠામાં રેતીના પ્લાન્ટો વધ્યાં
વલસાડના કાંઠા વિસ્તારોમાંથી રેતી કાઢવા માટે 50થી વધુ પ્લાન્ટો ધમધમી રહ્યા છે. દરિયાકાંઠાના ગામો અને ધોલાઇ, બીગરી કાંઠામાંથી રેતી ખનન દ્વારા મહારાષ્ટ્ર લઇ જવા દરરોજ 100થી વધુ ટ્રકો ભરીને રેતી વહન કરી રહી છે.જેના કારણે કાંઠાનું ધોવાણ બેરોકટોક થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

ખનનથી ગામોને ભયંકર જોખમ
દરિયાઇ રેતીનું પણ ખનન તથા સમુદ્રી ભરતીના કારણે કિનારાના દાંતી સહિતના ગામોના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભો થવાની દહેશતથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાંઠા અને દરિયાને લાગૂ ખાડીમાંથી રેતીખનનનો બેફામ વેપલો આ ગામના રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...