અમદાવાદના બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દેશીદારૂ પર પોલીસે સિકંજો કસવા માડ્યો છે.મોડેમોડે જાગી ગયેલી વલસાડ જિલ્લા પોલીસ અચાનક આદુ ખાઇને કાર્યવાહીમાં જોતરાઇ ગઇ છે.શુક્રવારે વલસાડ તાલુકામાં પોલીસે દેશીદારૂની 2 ભઠ્ઠી અને 7 સ્થળે રેડ પાડી 71 લીટર દેશીદારૂનો જથ્થો કબજે કરી 7 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે વાપીમાં અલગ અલગ 8 સ્થળે રેડ કરી દેશી દારૂની 6 ભઠ્ઠી પકડી પોલીસે 7 મહિલા સહિત 8ની ધરપકડ કરી હતી.
શુક્રવારે વલસાડ તાલુકાના 3 પોલીસ મથકની હદમાં આવતાં વિવિધ વિસ્તારો ગામોમાં રેડ કરાઇ હતી.જેમાં વલસાડ સિટીમાં મોગરાવાડી છતરિયા,રાખોડિયા તળાવ પાસે,પારનેરા મુકુંદ ઉર્વીનગર નવીનગરી,સરોધી પહાળ ફળિયા,ધનોરી ચોબડિયા ફળિયા,જોરાવાસણ તવડી ફળિયા અને ઓલગામ પટેલ ફળિયામાં કુલ 7 ઇસમોના ઘરે રેડ પાડવામાં આવી હતી.જેમાં કુલ 71 લીટર દેશીદારૂનો જથ્થો કબજે કરી 7 ઇસમની ધરપકડ કરી હતી.
વલસાડના અબ્રામા તાપાવાડમાં નદી કાંઠેથી સિટી પોલીસે રાજૂ શંકર નાયકાના ઘરે રેડ પાડતાં ઘરથી થોડે દૂર નદીકાંઠે જોતાં દેશીદારૂ બનાવવા રૂ.75ની કિમતનું ગોળપાણીનું રસાયણ,ભઠ્ઠી માટે માટીના 4 ચૂલા સહિત સામગ્રી ઝડપી હતી.જ્યારે ડુંગરી નજીક ચોબડિયા સામર ફળિયામાં ખુશાલ છોટુભાઇ પટેલના ઘર પાછળ દેશીદારૂ ગાળવા લોખંડનો પીપળો,2 પ્લાસ્ટિકના પીપળા,પ્લાસ્ટિકની નળી,ગરણી અને 14 લીટર દેશીદારૂ કબજે કર્યો હતો.
આ સાથે વોશ રૂ.150ની કિમતનું કબજે કરાયું હતું. વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસે બુધવાર અને ગુરૂવારે ડુંગરા તેમજ નામધા ગામે રેઇડ કરી 7 મહિલા અને એક પુરૂષને દેશી દારૂની ભઠ્ઠી તેમજ દેશી દારૂ સાથે પકડ્યા છે. જેમાં આશાબેન અજય પટેલને દેશી દારૂ ગળવાની ભઠ્ઠી અને દારૂ મળી 1900ના મુદ્દામાલ સાથે, નર્મદાબેન સુભાષ પટેલને 1260ના મુદ્દામાલ સાથે, ગીતાબેન પ્રવીણ પટેલ તમામ રહે. મોરા-તળાવ ફળિયા નામધા ને 6700ના મુદ્દામાલ સાથે અને મહેન્દ્ર ગીરધર પટેલ વંકાછ મંદિરફળિયા ને 1350ના મુદ્દામાલ સાથે, મોટી સુલપડના ધોડિયાવાડમાં વર્ષા નરેશ પટેલને 400ના દારૂ સાથે, વનિતા સંજય પટેલને 100 રૂપિયાના દારૂ સાથે, જોશના નવીન પટેલને 1140ના મુદ્દામાલ સાથે અને અમિતાબેન બિપીન પટેલને 800ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે. લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો દેશી દારૂ બનાવી રહ્યા છે. જાણે તેઓમાં પોલીસનો ખોફ જ નથી. તે જ કારણ છે કે, અવારનવાર તેઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.