કામગીરી:વલસાડમાં દિવાળી પૂર્વે રસ્તાઓ મરામતની કામગીરી શરૂ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બર, ઓગષ્ટમાં ભારે વરસાદથી રસ્તાઓ ઉપર ખાડા પડી જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી થતી હતી

રાજ્ય સરકાર દ્વારા પાલિકા વિસ્તારોમાં વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓની દિવાળી પહેલા મરામત માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરાયેલી ગ્રાન્ટ હેઠળ વલસાડમાં પણ પાલિકાએ રસ્તાઓના મરામતની કાર્યવાહી હાથ ધરી છે. સરકારે ફાળ‌વેલી ગ્રાન્ટને અ્નુલક્ષી પ્રથમ તબક્કે વલસાડ શહેરના મુખ્યમાર્ગો ઉપર પેચિંગ વર્ક હાથ ધરવામાં આવતાં શહેરીજનોને રાહત મળશે વલસાડ જિલ્લામાં પાછોતરા ભારે વરસાદને લઇ રસ્તાઓનું ભારે ધોવાણ થયું હતું. વલસાડ શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બની જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હલાકી ભોગવવી પડી રહી છે.

દરમિયાન તાજેતરમાં રાજ્યની નવી સરકારના મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓને તેમજ નગરપાલિકાઓ પૈકી વર્ગ-1ની પાલિકાઓની હદમાં વરસાદના કારણે બિસ્માર થયેલા રસ્તાઓની મરામત કરવા નિર્ણય લીધો હતો. આ માટે વર્ગ-1ની પાલિકાઓને વિશેષ ગ્રાન્ટ ફાળવવામા આવશે તેવું જાહેર કરાયું હતું. જેને લઇ વલસાડ નગરપાલિકા હદમાં નુકસાન પામેલા રસ્તાઓની મરામત માટે ચીફ ઓફિસર જે.યુ.વસાવાએ બાંધકામ શાખાના ઇજનેર હિતેશ પટેલને વિગતો તૈયાર કરવાની સૂચના આપી હતી.

શહેરના મુખ્યમાર્ગો સહિતના આવા માર્ગો ઉપર મરામત માટે પ્રક્રિયાઓ પૂરી કરાઇ છે. પ્રથમ તબક્કે મુખ્યમાર્ગો ઉપર મરામતનું કામ હાથ ધરાયું છે. જેમાં સૌથી વધુ બિસ્માર થયેલા આઝાદ ચોકથી નાનાતાઇવાડ થઇ લુહાર ટેકરા તરફ જતા મુખ્યમાર્ગ ઉપર પેચિંગ વર્ક કરવામાં આવતા લોકોને રાહત મળી છે.

શ્રોફચાલ સામે મુખ્યમાર્ગ પર હવે એમ્બ્યુલન્સોને વિશેષ રાહત મળી રહી છે
વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આઝાદ ચોકથી લુહાર ટેકરા થઇ વલસાડ કસ્તુરબા હોસ્પિટલ જતાં રોડની સૌથી વધુ ખરાબ હાલત થઇ ગઇ હતી. આ રોડ 3 મોટી હોસ્પિટલો આવેલી છે. જ્યાં ખાસ કરીને અકસ્માતના દર્દીઓ, કોરોનાના દર્દીઓ અને કાર્ડિયાકના દર્દીઓને લઇ જવા સતત એમ્બ્યુલન્સોની આવનજાવન રહે છે. ખાડા ટેકરામાંથી પસાર થતાં આ એમ્બ્યુલન્સના ચાલકો અને દર્દીઓને ભારે હાલાકી હતી. જેની પ્રથમ મરામત કરવામાં આવતા હાશ્કારો મળ્યો છે.

વિપક્ષની રજુઆતને પગલે મોગરાવાડી ઝોનમાં ખાડા પૂરાણ અને પેચવર્ક કરાશે
વલસાડના મોગરાવાડી ઝોનમાં રસ્તાઓને પણ ભારે વરસાદમાં નુકસાન થયું હતું. બેચર રોડથી મોગરાવાડી રેલવે ગરનાળા જતા રોડ ઉપર ખાડા પૂરીને પેચ વર્ક કરવા માટે વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ અને સંજય ચૌહાણ સહિત સભ્યોએ સીઓને કરેલી રજૂઆતના પગલે પ્રથમ ખાડામાં મેટલ પૂરાણ કરાવી પાલિકા સીઓએ કાર્યવાહી કરી હતી. આ રોડ અને મોગરાવાડીના બાકી રોડ પર મરામત કરવા પાલિકા તંત્ર આગળ ધપી રહ્યું છે.

તબક્કાવાર દિવાળી પહેલા મરામત પૂર્ણ કરવા કવાયત
વલસાડના શહેરીજનોને બિસ્માર રસ્તાઓથી છુટકારો અપાવવા નગરપાલિકા તંત્રએ મરામત પૂર્ણ કરી દેવા જોર લગાવ્યું છે. જેમા ખાસ કરીને આગામી દિવસોમાં આવનારા દિવાળીના તહેવારને લક્ષ્યમાં લેવામાં આવ્યું છે. દિવાળી પહેલા આ કામો પૂર્ણ થાય તેવી કવાયત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...