તાત્કાલિક ઉકેલની માગ:વલસાડમાં ડહોળું પાણી આવતા ખડકીભાગડા વિસ્તારમાં 2 હજાર લોકોના આરોગ્ય સામે જોખમ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ અને પાણીની સમાંતર પાઇપલાઇનમાં લિકેજની ભીતિ

ચોમાસામાં શહેરની ઔરંગાનદીમાં આવતા વરસાદી પાણીનું પ્યોરિફિકેશન બાદ કલોરિનેશન કર્યા બાદ શહેરમાં અપાતા પાણી પુરવઠો શહેરમાં આપવામાં આવે છે,પરંતું વલસાડના વોર્ડ નં.1માં આવેલા ખડકીભાગડા વિસ્તારમાં ડ્રેનેજ અને વોટર પાઇપલાઇન જોઇન્ટ થઇ જતાં ડહોળું પાણી આવતાં આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છે.સ્થાનિક રહીશોએ આ મામલે રોષ વ્યક્ત કરી તાત્કાલિક લાઇન ફોલ્ટ શોધવાની માગણી કરી છે.

વલસાડના અબ્રામામાં ઔરંગાનદી કિનારે આવેલા હેડવોર્ટર વર્કસથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણીનો પુરવઠો શહેરમાં પહોંચાડવામાં આવે છે.જો કે વલસાડના છેવાડાના વોર્ડ નં.1માં આવેલા ખડકીભાગડા વિસ્તારમાં ડહોળુ પાણી આવતાં લોકોમાં પાલિકા સામે રોષ ઉઠ્યો છે.વોર્ડ નં.1માં આવતા ખડકીભાગડા,કુંભારવાડ,સકારામ મંદિર વિસ્તારની 1800થી વધુ વસતી ધરાવતા આ પંથકમાં પહોંચી રહેલું પાણી અચાનક ડહોળું આવતાં રહીશોને બહારથી પાણી લાવવાની નોબત આવી છે.સોમવારે સવારથી ડહોળા પાણીના કારણે સ્થાનિકોએ કેટલાક સબંધિતોને આ મામલે રજૂઆતો કરી હતી.

જેના પગલે મામલો બહાર આવ્યો હતો.આ પાણીને લઇ ડહોળું પાણી ભરેલી બોટલ રજૂ કરી પાણીનીલાઇનમાં લિકેજની શક્યતા પર ભાર મૂક્યો હતો.જેને લઇ પાલિકા હવે ફોલ્ટ શોધવા કાર્યવાહી કરશે કે કેમ તેવો પ્રશ્ન પૂછાઇ રહ્યો છે.ચોમાસાની ઋતુમાં શુધ્ધ પાણીની જગ્યાએ ખડકીભાગડા વિસ્તારના રહીશોને ડહોળું પાણી મળતાં આરોગ્ય માટે લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

લાઇન સમાંતર રીતે નાંખવામાં બેદરકારી
વલસાડ શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની બાજૂમાંથી ડ્રેનેજ અને પાણીની સમાંતર પાઇપલાઇન નાંખવામાં આવતાં છાશવારે આ પ્રશ્ન ઉભા થવાની સ્થિતિ નિર્માણ પામે છે.ડ્રેનેજ લાઇન અને પાણીના જોડાણો આપવાની સ્થિતિમાં બંન્ને લાઇનો નજીકમાં હોવાથી જોડાણો માટે જોઇન્ટ આપી દેવામાં આવતાં અમુક મહિનાઓ બાદ જોઇન્ટ સડી જતાં ડ્રેનેજ અને પીવાના પાણી ભળી જતાં સમસ્યા ઉભી થઇ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સિટી ઇજનેરને રજૂઆત કરતા ઉકેલની ખાત્રી
વલસાડના વોર્ડ નં.1માં આવતા ખડકીભાગડા,કુંભારવાડ,સકારામ મંદિરના નીચેના આવેલા વિસ્તારમાં પાણી પુરવઠો અને ડ્રેનેજની લાઇનો સમાંતર નાંખવામાં આવતા જોઇન્ટમાં લિકેજના કારણે ગંદુ પાણી આવવાની શક્યતા છે. પાલિકાના સિટી ઇજનેરને ડહોળા પાણી આવવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. જેમણે આ સ્થળ પર ફોલ્ટ શોધી મરામત કરવા ખાત્રી આપી છે, પરંતુ હજી કામ શરૂ થયું નથી,જે તાત્કાલિક હાથ ધરવાની જરૂર છે અન્યથા આ વોર્ડમાં રોગચાળો ફેલાય શકે છે. > કાંતિભાઇ ભંડારી, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...