ગંભીર બેદરકારી:વલસાડમાં ગૌરવપથને મોરારજી દેસાઇ માર્ગ નામકરણનો ઠરાવ 3 વર્ષથી ફાઇલમાં બંધ

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ.મોરારજી દેસાઇની સ્મૃતિમાં માર્ગનું નામકરણ થયું પણ તકતી ક્યાંય નહિ, તકતી તૈયાર પરંતું રોડ પર લગાવવાની પાલિકાને ફુરસદ જ નથી

માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇની યાદમાં પાલિકાએ 2019માં શહેરના ગૌરવપથને સ્વ.મોરારજી દેસાઇ માર્ગનુ નામકરણ કરતો ઠરાવ તાળીઓના ગડગડાટ વચ્ચે કર્યી બાદ આ તાળીઓની ગુંજ ત્યાં જ શમી ગઇ હતી.આજદિન સુધી આ માર્ગને સ્વ.મોરારજી દેસાઇ માર્ગની તકતી લગાડવાની પાલિકાને ફુરસદ મળી નથી. વલસાડના નાગરિકો સ્વ.મોરારજી દેસાઇનું નામ આવતાં જ ગૌરવ અનુભવે છે.સ્વ.મોરારજી દેસાઇના માદરે વતન વલસાડમાં તત્કાલિન પ્રમુખ સોનલબેન સોંલકીના શાસનમાં પાલિકાના શાસકોએ ગુજરાતમાં સૌ પ્રથમવાર મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમનું નિર્માણ કર્યું હતું.

આ મ્યુઝિયમનું પૂર્વ સીએમ આનંદીબેન પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. ત્યારબાદના શાસકોએ વલસાડના મુખ્ય માર્ગ ગૌરવપથને સ્વ.મોરારજી દેસાઇ માર્ગના નામે નામકરણ કરતો ઠરાવ 2019 મળેલી પાલિકાની સામાન્ય સભામાં કર્યો હતો. 3 વર્ષ થઇ જવા છતાં માર્ગનું નામકરણ કરવાની તકતી હજી ગૌરવપથ ઉપર લગાવવામાં નહિ આવતાં આ માર્ગની ઓળખ સ્વ.મોરારજી દેસાઇ માર્ગ તરીકે થઇ શકી નથી. આ મુદ્દે વરિષ્ઠ નાગરિક અરૂણભાઇ વશીએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છતાં હજી કોઇ નિરાકરણ થયું નથી.

અન્ય બે માર્ગના નામકરણના ઠરાવ પણ યથાવત
વલસાડ નગરપાલિકા દ્વારા સ્વ.મોરારજી દેસાઇ માર્ગ ઉપરાંત બીજા બે માર્ગનું નામકરણ કરતા બે ઠરાવ કર્યા હતા.જેમાં સ્વ.અમરનાથ પાંડે માર્ગ તથા મોગરાવાડીમાં સ્વ.અરવિંદ ‌વશી ચોક નામકરણ કરવામાં આવ્યું હતું.પરંતું આ ઠરાવનો પણ આજદિન સુધી પાલિકા તંત્ર દ્વારા અમલ કરવામાં આવ્યો નથી.

ઉપસચિવની શહેરી વિકાસને તાકીદ
આ મામલો ગાંધીનગર સુધી ઉઠાવવામાં આવતા મોગરાવાડીના સામાજિક કાર્યકર અરૂણ વશીએ સીએમ કાર્યાલયને વલસાડ પાલિકાએ માજી વડાપ્રધાન મોરારજી દેસાઇ માર્ગ સહિત અન્ય બે માર્ગોના નામકરણના અમલ ન થવા મુદ્દે સીએમ કાર્યાલયને ફરિયાદ કરી હતી.જેને ધ્યાને લઇ કાર્યાલયના ઉપસચિવે 24 ફેબ્રુઆરી 2022ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,ગાંધીનગરને પત્ર પાઠવી 29 જાન્યુઆરી 2019ના રોજ સ્વ.મોરારજી દેસાઇ માર્ગ નામકરણ અંગે કાર્યવાહી કરવા તાકીદ કરી છે.આ સાથે અરજદાર અરૂણ વશીને પણ પત્ર રવાના કર્યા છે. આમ ત્રણ વર્ષથી નામકરણનો ઠરાવ ફાઇલમાં બંધ છે. આ પ્રશ્ન હલ કરવા ઉચ્ચ અધિકારીઓ અને સરકાર ગંભીર ન હોવાની અનુભૂતિ થઇ રહી છે. પાલિકાના પદાધિકારીઓએ આ મામલે સરકારમાં ઉગ્ર રજૂઆત કરવાની જરૂર છે.

તકતી તૈયાર છે પણ લગાડતા નથી
વલસાડના પનોતા પૂત્ર ભારત રત્ન અને માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇ માર્ગના નામકરણની તકતી વલસાડ પાલિકાએ બનાવડાવી હતી પરંતુ આજે પણ પેઇન્ટરને ત્યાં આ તકતી ધૂળ ખાતી પડી રહી છે.કોઇ લેવા જતું નથી.આ સાથે સ્વ.અમરનાથ પાંડે માર્ગ નામકરણ ,સ્વ.અરવિંદ વશી ચોક માટે ઠરાવ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. > અરૂણ વશી, સામાજિક કાર્યકર,મોગરાવાડી,વલસાડ

અન્ય સમાચારો પણ છે...