નિર્ણય:જિલ્લા પંચાયતનું નવું મકાન તિથલ રોડ પર બાંધ‌વાનો ઠરાવ અંતે રદ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની બોડીએ લોકોની હાલાકી ન જોય નિર્ણય કર્યો હતો
  • સભામાં નવું સંકુલ મૂળ જગ્યાએ નિર્માણ કરવા ઠરાવ

વલસાડ જિલ્લા પંચાયતની ગત બોડીએ વર્ષો જૂની જિ.પં.ની કચેરીનું બિલ્ડિંગ તોડી છેક તિથલ રોડ વિસ્તારમાં નિર્માણ કરવાનો તઘલખી ઠરાવ કર્યો હતો. જેને લઈ અરજદારોમાં અંદરખાને ભારે રોષ ફેલાયો હતો.જો કે હાલની નવી બોડીના જિ.પ.પ્રમુખ અને શાસકોએ જૂનો ઠરાવ રદ કરી જિ.પં.ની વર્તમાન કચેરીના સ્થળે જ નવું બિલ્ડિંગ બનાવવા સરકારને દરખાસ્ત કરવાનો ઠરાવ કર્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના અધ્યક્ષ સ્થાને અને ડીડીઓ મનિષ ગુરવાની,ડેપ્યુટી ડીડીઓ મકવાણાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી.જો કે આ સભાના એજન્ડામાં મહત્વના કામો પૈકી જિલ્લા પંચાયતના નવા મંજુર થયેલા મકાનના સ્થળ ફેરફાર અંગે નવેસરથી દરખાસ્ત કરવાનું ખુબજ મહત્વનું કામ ચર્ચા પર લેવાયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉની બોડીના શાસકોએ જિ.પં. કચેરીના નવા મકાન મુદ્દે તઘલખી નિર્ણય કર્યો હતો.

જેમાં જિલ્લા પંચાયતન કચેરીનું સ્થળાંતર કરી તિથલ રોડ ઉપર લઇ જઇ નવુ બિલ્ડિંગ તૈયાર કરવાનો ઠરાવ જે તે સમયની જૂની બોડી દ્વારા કરવામાં આવ્યો હતો.જેનાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે તેમ હતું.કારણ કે જિલ્લાના ધરમપુર,કપરાડા,ઉમરગામ, પારડી,વાપી સુધીના અંતરિયાળ ગામડાના અરજદારોને વલસાડ આવીને તિથલરોડ સુધી રૂ.50થી 100 ખર્ચીને નવા સ્થળે કચેરીમાં લંબાવવું પડે તેવી સ્થિતિ સર્જાવાનો ભય હતો. જો કે જિ.પં.નું નવું બિલ્ડિંગ હાલે જ્યાં છે ત્યાંજ નિર્માણ કરવા ઠરાવ કર્યો છે.

ગ્રાન્ટમાંથી પાણી-સફાઇના કામો થશે
જિલ્લા પંચાયતની સભામાં પ્રમુખ અલકાબેન શાહ અને ડીડીઓ મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી 10 ટકા ગ્રાન્ટનું વિકાસના કામોનું આયોજન કરવાનું થાય છે તેવું ડે.ડીડીઓ મકવાણાએ જણાવ્યું હતું. હવે ગ્રાન્ટની ટકાવાર ફાળવણીમાં 2021-22 માટે ફેરફાર થતાં તે મુજબની ટકાવારી હિસાબે જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામોનું આયોજન કરાવાનું થાય છે. જેમાં ખાસ કરીને સ્વચ્છતા, સફાઇ અને પીવાના પાણીના કામો 10 ટકા ગ્રાન્ટ હેઠળ કરાશે.

મકાન-ગ્રાન્ટના વિકાસના કામની ચર્ચા
ગુરૂવારે ધરમપુરમાં આત્મનિર્ભર યાત્રાના કાર્યક્રમમાં જિ.પં.ના સભ્યો વ્યસ્ત હતા. જેને લઇ જિ.પં.ની સભાનું બપોરે 2 વાગ્યે આયોજન કરાયું હતું. પરિણામે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એજન્ડા ઉપર લેવાયેલા મુખ્ય બે કામો પર ચર્ચા હાથ ધરાઇ હતી,પરંતુ તેમાં ખુબ મહત્વના નિર્ણય સાથે ઠરાવ કરાયા હતા.જ્યારે અન્ય કામો રૂટિનના જ હોવાથી 15 મિનિટમાં સભા પૂર્ણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...