તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિમોલિશન:રસ્તાઓ પર ગેરકાયદે તાણેલા 25 દબાણો દૂર કરાયા, માઇક ફેરવી અગાઉ સૂચના આપી હતી

વલસાડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાએ હાથ ધરેલા અભિયાનમાં અઠવાડિયા સુધી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રખાશે
  • શહેરના શાકભાજી માર્કેટથી બેચર રોડ સુધી વિસ્તારમાં ધણધણાંટી બોલાવી

વલસાડમાં નજીકના દિવસોમાં આવનારા તહેવારો પૂર્વે રસ્તાઓ ઉપર થતાં આડેધડ કરવામાં આવતાં શેડ,બોર્ડ,દૂકાનો,ગલ્લા, કેબિનો બહાર મૂકાતા કટઆઉટ,સ્ટેચ્યુ જેવા દબાણો દૂર કરવા પાલિકા અને પોલિસે કમર કસી છે.ટ્રાફિકના મામલે એસપીના આદેશના પગલે પાલિકાની ટીમે શુક્રવારે શહેરના શાકભાજી માર્કેટ રોડથી બેચર રોડ તરફ જતા માર્ગ પરના દબાણો દૂર કરાયા હતાં.

વલસાડ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલાએ શહેરી વિસ્તારોમાં ટ્રાફિકને નડતર દબાણો દૂર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેર પોલીસ અને પાલિકાને આ પ્રશ્નના ઉકેલ માટે જાહેર માર્ગો પરથી દબાણો દૂર કરવા અને રોડ ઉપર પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહીના આદેશો આપતાં પાલિકા અને પોલીસે અઠવાડિયા સુધી ઝુંબેશ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

શુક્રવારે પાલિકાની બાંધકામ શાખાની ટીમ અને એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર સાથે શાકભાજી માર્કેટથી બેચર રોડ સ્ટેટ હાઇવે તરફ નિકળતાં રોડ ઉપર ગેસ ગેરેજના 12 ફુટના પતરાંના ગેરકાયદે દબાણને દૂર કરાતાં ફફડાટ ફેલાયો હતો.શહેરમાં 25 ગલ્લાં સહિતના દબાણો હટાવી દેવાયા છે.છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા અભિયાનમાં પાલિકાએ દબાણકર્તાઓને જાહેર માઇકથી ચેતવણી આપી હતી.હજી અઠવાડિયા સુધી આ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે કાર્યવાહી હાથ ધરાઇ છે.

રોડ પહો‌ળા કરાયા બાદ પણ આડેધડ પાર્કિંગ
વલસાડ શહેરમાં પાલિકાએ અત્યાર સુધી શ્રોફચાલરોડ,ગૌરવ પથ, હાલર રોડ, સ્ટેશન રોડ, સ્ટેડિયમ રોડ પહોળા કર્યા બાદ પણ ટ્રાફિકને નડતરરૂપ આડેધડ પાર્કિંગનું ભૂત જતું નથી.પાલિકા અને પોલિસના ચેકિંગ બાદ થોડા દિવસ પછી સ્થિતિ જૈસે થે જેવી થઇ જતાં આ પ્રશ્નનો કાયમી નિકાલ થતો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરાશે
રોડ પર થતાં કાચા પાકા શેડ અને પતરાં,એન્ગલો સહિતના ગેરકાયદે બાંધકામ દૂર કરવા જાહેર ચેતવણી અપાઇ છે. જેની હજી કોઇ તસ્દી દબાણકર્તાઓએ ન લેતાં બાંધકામ શાખા દ્વારા પગલાં ભરાઇ રહ્યા છે.વાહનોનું પાર્કિંગ રોડ પર થતાં ટ્રાફિક સમસ્યા જટિલ બનતા લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે. > જે.યુ.વસાવા, સીઓ

અન્ય સમાચારો પણ છે...