રાહત:વલસાડમાં પહેલા ડોક્ટરનું અપહરણ કર્યું અને 1 કરોડ માગ્યા, 18 કલાક બાદ રૂપિયા લીધા વગર અર્ધનગ્ન હાલતમાં છોડી મૂક્યા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડૉક્ટર જનકભાઈ - Divya Bhaskar
ડૉક્ટર જનકભાઈ
  • અટાર વૃદ્ધાશ્રમ પાસે મોપેડ આગળ કાર અટકાવી ફિલ્મી ઢબે અપહરણ કર્યા બાદ ચિંચાઈથી અર્ધનગ્ન હાલતમાં મળ્યા
  • ડોક્ટરના મોબાઇલથી જ આરોપીએ પત્નીને ફોન કરી 1 કરોડની ખંડણી માગી હતી
  • પત્નીએ 50 હજાર આપવાની વાત કરતાં અપહરણકારોએ દાગીના, કાર વેચી રૂપિયા માગ્યા
  • અપહરણકારોએે ખંડણીના એકપણ રૂપિયા લીધા વિના તબીબને મુક્ત કરતાં આશ્ચર્ય

હરિયા ગામમાં રહેતા બીએએમએસ ડોક્ટરનું અટાર વૃદ્ધાશ્રમ પાસેથી બુધવારે સાંજે ફિલ્મી ઢબે અપહરણની ચકચારી ઘટનામાં ગુરુવારે નવો વળાંક આવ્યો હતો. ડોક્ટરના મોબાઈલથી પત્નીને ફોન કરી ડોક્ટરનું અપહરણ કરનારા 3 ઈસમે રૂ. 1 કરોડની માગણી કરતાં તેમણે કંન્ટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ દોડતી થઈ હતી. બીજી તરફ, ઘટનાના 18 કલાક બાદ ગુરુવારે બપોરે વલસાડથી 30 કિમી દૂર આવેલા અંતરિયાળ વિસ્તાર એવા ચિંચાઈ ગામની હદમાં અવાવરું જગ્યાએથી અપહ્યત તબીબ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા.

અપહરણમાં પોલીસથી બચવા બે અલગ અલગ કારનો ઉપયોગ કરાયો હતો
હરિયા ટેકરા ફળિયામાં રહેતા 40 વર્ષીય બીએએમએસ આયુર્વેદિક ડો. જનકભાઈ અનિલભાઈ વૈરાગી ભગોદ ખાતે તેમના દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપી મોપેડ ન. GJ-15-bh 7509 પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક રાત્રે મોડી સાંજે આગળ કાર ઊભી રાખી તેમને અટકાવ્યા હતા. કારમાંથી 2 અજાણ્યા ઈસમે ઊતરીને ડો.જનકભાઈને પકડીને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. જનકભાઈ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં તેમનાં પત્ની જિજ્ઞાએ તેમના મોબાઈલ પર સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. થોડીવાર બાદ ડો. જનકભાઈના ફોન પરથી જિજ્ઞા પર ફોન કરી જનકનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમને છોડવા માટે રૂ. 1 કરોડની માગણી કરી હતી. દરમિયાન ગુરુવારે બપોરે અજાણ્યા ઈસમો ચિંચાઈના જુલવણ ફળિયા પાસે અવાવરું જગ્યામાં જનકભાઈને અર્ધનગ્ન હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા. નજીકમાં આવેલા રાજેશ કરસન પટેલના મકાનમાં પહોંચી જનકભાઈએ મદદની ટહેલ નાખી હતી. આ પરિવારે જનકભાઈનાં પત્નીને મોબાઈલ વડે જાણ કરતાં વલસાડ પોલીસ તાત્કાલિક ચિંચાઈ ધસી ગઈ હતી, જ્યાં તેમનો કબજો મેળવી મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

ડોક્ટરના હાથપગ અને આંખ પર પટ્ટી બાંધી હતી
પોલીસે ડો. જનકભાઈની પ્રાથમિક પૂછપરછ કરતાં અપહરણ કરનારાઓ અંદરોઅંદર ગુજરાતીમાં અને જનકભાઈ સાથે હિન્દીમાં વાત કરતાં હોવાનું જણાવ્યું હતું. અપહરણ કર્યા બાદ ઈસમોએ કારમાં ડો. જનકભાઈના બંને હાથ પગ બાંધી આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. અપહરણ કર્યા બાદ તેમને ભૂખ્યા અને તરસ્યા બાંધી રાખ્યા હોવાનું ડો. જનકભાઈએ પોલીસને જણાવ્યું હતું.

મોપેડ પર દવાના થેલા જેવા રાખ્યા હતા એવા જ જોવા મળ્યા
હરિયા ગામના આયુર્વેદિક ડો. જનકભાઈ વૈરાગીને વૃદ્ધાશ્રમ પાસે અટકાવી મોપેડથી તેમના બંને હાથ પકડીને કારમાં અપહરણ કરી ગયા હતા. ઘટનાસ્થળે તપાસ કરતાં બાઈક પર મૂકેલા આયુર્વેદિક દવાના થેલા વિખેરાયેલા જોવા મળ્યા ન હતા. ઘટનાસ્થળ પર ઝપાઝપી થઈ હોય તેવા કોઈપણ પુરાવા પોલીસને મળ્યા ન હતા.

ખંડણી માટે ફોન કરતાં પત્નીને પહેલા તો મજાક લાગી હતી
જનકભાઈના મોબાઈલથી જિજ્ઞાને ફોન કરીને જણાવ્યું હતું કે તેરે પતિ કા કિડનેપ કિયા હૈ ઉસકો છોડ઼નેકે લીએ 1 કરોડ દેના પડેગા, જિજ્ઞાએ કોઈક મજાક કરતું હોવાનું જાણીને જનકને ફોન આપવા જણાવ્યું હતું. જનકભાઈ સાથે વાત કરાવી રૂપિયા 1 કરોડની માગણી કરી હતી. જિજ્ઞાએ 50 હજાર આપવાની વાત કરી હતી. અપહરણકર્તાઓએ ગાડી, ઘરેણાં વેચીને પણ કરોડ રૂપિયા આપવા જણાવ્યું હતું. રૂપિયા ક્યાં લઈને આવવાનું છે એ માટે સવારે ફોન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...