વલસાડ જિલ્લામાં આગામી મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી નિમિત્તે કેટલાક શહેરો/નગરોમાં તેમજ ગ્રામ્ય કક્ષાએ પતંગ મહોત્સવ તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર દરમિયાન કેટલાક વેપારીઓ સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ), ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, સિન્થેટિક દોરી, સિન્થેટિક પદાર્થથી કોટિંગ કરેલી હોય અને નોન બાયોડિગ્રેબલ હોય તેવી દોરીનું વેચાણ કરતા હોય છે. સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુકકલ) ઉડાડવાના કારણે તે સળગીને ગમે તે વિસ્તારમાં પડવાથી જાહેર જનતા, પશુ-પક્ષી, જાહેર ખાનગી માલ મિલકત તેમજ પર્યાવરણને નુકશાન થઈ છે. તેમજ પ્લાસ્ટિકની દોરીના ઉપયોગથી પશુ-પક્ષીઓ તેમજ માનવીને જાનહાનિ થવાની સંભવના રહેલી છે. આવા બનાવો બનતા અટકાવવા જિલ્લા કલેક્ટરે 14 અને 15 જાન્યુઆરીના રોજ નીચે દર્શાવેલા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પ્રતિબંધિત કૃત્યો
(1) મકરસંક્રાંતિ દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં વેપારીઓ તથા આમ જનતાએ સ્કાય લેન્ટર્સ (ચાઈનીઝ તુક્કલ), ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક/નાયલોન દોરી, કાચ પાયેલી તથા મેટાલીક કોટીંગ કરેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી, નાયલોન અથવા અન્ય સીન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલી હોય અને નોન–બાયોડીગ્રેબલ હોય તેવી દોરીનો સંગ્રહ/વેચાણ તથા પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવો નહીં.
(2) જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવા નહીં. તથા કપાયેલા પતંગો અને દોરા વગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ જાહેર રસ્તાઓ, ગલીઓ, શેરીઓમાં દોડા-દોડી કરવું નહીં.
(3) રસ્તાઓ તથા રેલ્વે લાઈન નજીક તથા ગલીઓમાં ઇલેક્ટ્રિક તથા ટેલિફોનના વાયરો નજીક આવી પ્લાસ્ટિક અને સિન્થેટીક ચાઇનીઝ બનાવટના દોરા તેમજ મેટાલીક કોટિંગ કરેલા તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલા દોરાથી પતંગો ઉડાડવા નહીં. ફસાયેલા પતંગ ઉતારવાના પ્રયત્નો કરે તો બે ઇલેકટ્રીકના વાયરો ભેગા થવાથી શોર્ટ સર્કિટ તથા આગ-અકસ્માતના બનાવો બનવાની સંભાવના રહેલી હોવાથી આવા કૃત્યો કરવા નહિ.
(4) વલસાડ બહારથી આવી સ્કાય લેન્ટર્સ (ચાઈનીઝ તુકકલ), ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક/નાયલોન દોરી, કાચ પાયેલી તથા મેટાલીક કોટીંગ કરેલ તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તથા નાયલોન અથવા અન્ય સીન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન—બાયોડીગ્રેબલ હોય તેવી દોરી લાવી વેચનાર વેપારીઓને પણ આ હુકમ લાગુ પડશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 હેઠળ બિન-જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સપેકટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.