માવઠાનો માર:જિલ્લામાં વરસાદી માહોલ,શાકભાજીના પાકને નુકસાનની ભીતિ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાપી - Divya Bhaskar
વાપી
  • વાપી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ઝિંકાયો, ધરમપુરમાં પાંચ મિમિ અને કપરાડામાં અડધો ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવતાં ગુરૂવારે સવારથી આકાશમાં વાદળો છવાઇ ગયા હતા. ત્યારબાદ જિલ્લાના 3 તાલુકામાં વરસાદી માહોલ વ્યાપી ગયો હતો. જેમાં વાપી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થતાં પાણી પાણી થઇ ગયા હતા. જ્યારે ધરમપુર તાલુકામાં 5 મિમિ અને કપરાડા તાલુકામાં પણ અડધા ઇંચથી વધુ કમોસમી વરસાદના કારણે ચોમાસાના દશ્યો સર્જાયા હતા. જો કે શિયાળાની શાકભાજીના પાક ઉપર આ માવઠાંને લઇ નુકસાનની ભીતિ સર્જાઇ હોવાનુું ખેડૂતો માની રહ્યા છે.

હાલમાં શિયાળાની ઋતુને એક માસ થયો છે ત્યારે ધરમપુર, કપરાડા વલસાડ, ઉમરગામ, પારડી અને વાપી તાલૂકાના ગ્રામિણ વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ખેડૂતોને હાલે લગ્ન સિઝિન હોવાથી શાકભાજીમાંથી સારું વળતર મળી રહ્યું છે. પરંતું અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હવામાન વિભાગે બે દિવસ પહેલાં જ તા. 20 સુધીમાં માવઠું પડવાની આગાહી આપી હતી. જેના પગલે બે દિવસથી આકાશમાં વાદળો છવાતા રહ્યા હતા.

દરમિયાન ગુરૂવારે હવામાનમાં મોટો ફેરફાર થતાં વાદળિયા હવામાન વચ્ચે કમોસમી વરસાદ શરૂ થઇ ગયો હતો.જેમાં સૌથી વધુ વાપી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ઝિંકાતા વરસાદી માહોલ છવાઇ ગયો હતો. જ્યારે કપરાડા તાલુકામાં અડધો ઇંચ અને ધરમપુર તાલુકામાં 5 મિમિ વરસાદ થયો હતો. જેને લઇ શાકભાજીના ખેડૂતો દ્વારા ધાણા, કાકડી, રિંગણાં, તુવેર, ટામેટા, રાતા છોડની ભાજી સહિતના છોડવા ઉપર ફલાવરિંગને માઠી અસર પહોંચવાની દહેશત ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉમરગામ તાલુકામાં માવઠાથી ખેડૂતો, ઈટના ભઠ્ઠા માલિકોને ભારે નુકસાન
ઉમરગામ તાલુકાના સરીગામ, કનાડુ,અણગામ,ફણસા,નાહુલી, પુનાટ સહિત અન્યો વિસ્તારમાં ગુરૂવારે બપોરે કમાૈશમી વરસાદ ચાલુ થતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. ખેડૂતોનો ડાંગરનો લ્હાણી કરેલો પાક ખેતરોમાં ભીંજાતા પાકને નુકસાન પહોચ્યુ છે. કમોસમી વરસાદ થી ખેડૂતોની આંબાવાડીમાં ફૂટેલી મંજરી ખરી પડવાનાને લઈ નુકસાનની સંભાવના છે.ઈંટના ભઠ્ઠા માલિકોએ પાડેલી નવી ઈંટો તથા માછીમારોએ દરિયા કિનારે સૂકવવા મુકેલી માછલીઓ ભીંજાતા નુકસાની ભોગવવાની નોબત આવી છે.

વાપીમાં કમોસમી વરસાદથી સર્વિસ રોડ અને ગરનાળામાં પાણી ભરાયા
વાપીમાં ગુરૂવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે કમોસમી વરસાદનું આગમન થતાં માર્ગો પર પાણી પાણી થઇ ગયા હતાં. શિયાળામાં ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. હાઇવેના સર્વિસ રોડ પર ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતાં ચાલકોને હાલકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જુના રેલવે ગરનાળા સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતાં. વાતાવરણમાં પલટાના કારણે લોકોએ બેવડીઋતુનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતાં.

ધરમપુરમાં સૂકવવા મુકેલા ડાંગરને નુકસાનની શક્યતા
ધરમપુરમાં બપોરે ગરમીના બફારા વચ્ચે અચાનક વરસેલા વરસાદથી ખેતરોમાં કાપણી કરી મુકેલા ડાંગરના પાક સહિત ઘાસનું પુણીઓમાં નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યકત કરી છે. સાથે કાપણી થયેલા ડાંગરના પાકને ખેડૂતોએ તાડપત્રીથી ઢાંકયો હતો. તુતરખેડના ડે. સરપંચ દયારામભાઈ ભોયાએ જણાવ્યું હતું કે ડાંગરના તૈયાર થયેલા પાકને કાપી ત્રણ દિવસ સુકવ્યા પછી પુળી બાંધી ખેતરમાં કુંડવુ કરી પછી ભાત અને ઘાસ અલગ કરવામાં આવે છે. કુંડવુ કરી પાક ઢાંકવામાં આવે તો વરસાદથી નુકશાન નહીં થાય.પરંતુ ખેતરમાં કાપણી કરી સૂકવવા મુકેલા પાકને કુંડવુ કરવા પહેલા આવેલા વરસાદથી ડાંગરના પાકને નુકશાન થવાનું છે. સાથે ચોમાસામાં કરેલા અડદ અને ખરસાણીને પણ નુકસાન થઈ શકે છે.

બામટીના પૂર્વ સરપંચ વિજયભાઈ પાનેરીયાએ જણાવ્યું હતું કે કાપણી કરેલો પાક આ વરસાદથી પલળી જવાથી નુકસાન થઈ શકે છે. ખેતરમાં મુકેલા પાકમાં નુકશાન થઇ શકે છે. ઘાસચારો ભીનાઈ જવાથી એમાં પણ નુકશાન થવાની શકયતા નકારી શકાય એમ નથી. પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ડાંગરનો પાક કાપી રહેલા ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે. ઢાંકેલો પાક બચી શકે છે.પરંતુ કાપણી કરી ખેતરમાં સૂકવવા મુકેલા પાકમાં વરસાદી પાણીથી નુકસાન થઈ શકે છે. જોકે કઠોળનો પાક તુવેર,અડદ,વાલના વાવેતરમાં ફાયદો થઈ શકે એમ છે. બોપીના સરપંચ મણિલાલ ગાંવિતે જણાવ્યું હતું કે હાલ રવી પાક કરેલો હોય કોઇપણ એ ઉગે ત્યાં સુધી કોઇ નુકશાન નહીં ગણાય.

અન્ય સમાચારો પણ છે...