તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વલસાડ સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા-સંબંધીઓ માટે પણ રેન બસેરાની વ્યવસ્થા કરાઈ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ કેમ્પસમાં જ રેનબસેરાની સુવિધા ઉભી કરવામા આવી

કોરોના એ વૈશ્વિક મહામારી બની છે, ત્‍યારે દુનિયાના આરોગ્‍યક્ષેત્રે અતિ સમૃધ્‍ધ દેશો પણ કોરોના સામે ઝઝુમી રહયા છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી રહી છે. રાજય સરકાર પણ કોરોના સંક્રમણને નાથવા અનેક પગલાં લઇ રહી છે. વલસાડ જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણને અટકાવવા અને સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર કરવા જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર, આરોગ્‍ય વિભાગ સતત કાર્ય કરી રહયું છે.

કોરોનાની સારવાર આવે એટલે સિવિલ હોસ્‍પિટલનું નામ પ્રથમ ચર્ચાય. જયારથી કોરોનાએ જિલ્લામાં દસ્‍તક દીધી ત્‍યારથી કોરોના વોર્ડની શરૂઆત કરી દર્દીઓની સેવા અવિરત ચાલુ છે. કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં દર્દીઓનો એટલો વધારો થયો કે, સિવિલ હોસ્‍પિટલ તો ઠીક પણ પ્રાઇવેટ હોસ્‍પિટલોમાં પણ બેડ ખૂટી પડયા. આવા સમયે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ હોસ્‍પિટલના મેનેજમેન્‍ટે દર્દીઓની સ્‍થિતિને ધ્‍યાને રાખી સિવિલ હોસ્‍પિટલની ક્ષમતા કરતાં વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરી સારવાર આપી હતી. આ સંજોગોમાં દર્દીઓને કે દર્દીઓના સગાં-સબંધીઓને અંશતઃ મુશ્‍કેલી પડી હોય એ બનવા જોગ છે.

વલસાડ કલેકટર આર.આર.રાવલે સિવિલ હોસ્‍પિટલની સેવા વધુ સુદઢ બને તે માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીને ખાસ ફરજ સોંપી છે. કલેક્‍ટરશ્રીએ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને સહયોગની અપીલ કરતાં સેવાભાવી સંસ્‍થાઓએ ટીકા નહિ પણ ટેકાની ભાવના સાથે સેવાયજ્ઞ આરંભ્‍યો છે. આ સેવાયજ્ઞથી સિવિલ હોસ્‍પિટલને પણ ટેકો મળ્‍યો છે, એવું ચોક્કસ કહી શકાય.

સિવિલ હોસ્‍પિટલમાં મર્યાદિત સ્‍ટાફ સામે ક્ષમતા કરતાં વધારે દર્દીઓને દાખલ કરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ આટલા દર્દીઓને પહોંચી વળવા ડોકટર્સ સહિત કામદારોની ઘટથી કામગીરી કઠિન બનતી જતી હતી. દર્દીઓને સારવાર, ચા-પાણી નાસ્‍તો, જમવાનું સમયસર પહોંચાડવા સહિત સાફ સફાઇનો પણ અભાવ રહેતો હતો. આ પરિસ્‍થિતિમાં વલસાડ કલેકટર આર.આર.રાવલે પોતાની કુનેહ અને દીર્ઘ દૃષ્‍ટિનો ઉપયોગ કરી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને સિવિલ હોસ્‍પિટલની સેવામાં સહકાર અને સહયોગ આપવા ટહેલ નાંખી હતી. વલસાડની કેટલીક સેવાભાવી સંસ્‍થાઓ આ ટહેલને આવકારી આગળ આવી છે. જેના લીધે કોરોના અંગેની કામગીરી ઝડપી અને સુદૃઢ બની છે અને તેના સુંદર પરિણામો પણ મળી રહયા છે.

સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં દર્દી દાખલ થાય એટલે દાખલ તારીખ/ વોર્ડ અને દર્દી સબંધી માહિતી સાથેનો પીળો પ્રવેશ કાર્ડ આપવામાં આવે છે. દર્દીને એડમિટ હેન્‍ડ બેલ્‍ટ ઇશ્‍યૂ કરવામાં આવે છે. દર્દીની કમ્‍પ્‍યુટર ડેટા એન્‍ટ્રી કરવાના કારણે દર્દીના સ્‍વાસ્‍થ્‍ય સંબંધી માહિતી મેળવવામાં સમયનો બચાવ કરી શકાયો છે. હેલ્‍પ ડેસ્‍કના સુધારાથી મૃતકોના મૂલ્‍યવાન સમાનની સોંપણીનું કાર્ય સરળ બનાવાયું છે. કોવિડ વોર્ડ અને બેડ નંબર શરૂ કરાયા છે, જેના લીધે દર્દીના ઘરનું ભોજન અને અન્‍ય ફળ ફળાદી, દવાઓ જેવી વસ્‍તુઓ બેડ સુધી સમયસર પહોંચાડવાનું સરળ બન્‍યું છે.

ઉમરગામ તાલુકાના નારગોલ ગામના રહેવાસી અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીના સગા નૈયનેશભાઇ દુબળા જણાવે છે કે, કોરોનાની સારવાર માટે મારી માતા, ભાઇ અને અન્‍ય સંબંધી છેલ્લા છ દિવસથી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા છે. અહીં શરૂ કરાયેલા હેલ્‍પ ડેસ્‍ક કાઉન્‍ટર ઉપરથી મારા સ્‍વજનોની તબિયત અને સ્‍થિતિ અંગેની જાણકારી નિયમિતપણે મળી રહે છે. અમારા ઘરથી લાવવામાં આવતું જમવાનું પણ અહીંના સ્‍ટાફ દ્વારા પહોંચાડવામાં આવે છે. સિવિલ હોસ્‍પિટલના ડોકટરોની સેવા સારી છે અને આ સેવાથી હું સંતુષ્‍ટ છું.

વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સગા સંબંધીઓને જમવાની તકલીફ ન પડે તે માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા ભોજન પુરું પાડવામાં આવી રહયું છે. આ ઉપરાંત સિવિલ હોસ્‍પિટલની બહાર બેસવા માટે મંડપ અને ખુરશીની વ્‍યવસ્‍થા તેમજ બહારગામના દર્દીઓના સગા સંબંધીઓને રહેવાની અગવડતા ન પડે તે માટે સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં રેન બસેરાની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેમાં સગાં-સંબંધીઓ માટે પ્રાથમિક જરૂરિયાત એવી પીવાનું પાણી, ટોયલેટ, બાથરૂમની સવલતો પણ ઉપલબ્‍ધ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ હોસ્‍પિટલના દદીઓ સાથે તેમના સ્‍વજનોને પણ કોઇ મુશ્‍કેલી કે અગવડતા ન પડે તેવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...