વલસાડ જિલ્લામાં બર્થડે પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ અંગે જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાને બાતમી મળી હતી. જેને આધારે હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી ઉપર SPએ રેડ કરી હતી. જેમાં નાનાપોઢા પોલીસ મથકના PSI અને જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલને મળી કુલ 19 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. ત્યારે આ મામલે SPએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી PSI તેમજ 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.
26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
વલસાડ જિલ્લામાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલની જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલા એક બંગ્લામાં LCB અને અન્ય પોલીસ જવાનોએ રેડ કરી હતી. જેમાં નાનાપોઢા PSI અને જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 3 પોલીસ જવાન સહિત કુલ 19 ઈસમો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેથી પોલીસે 18 બોટલ દારૂનો જથ્થો, 5 કાર, 7 મોપેડ, 26 મોબાઈલ મળી 26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
SPએ તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરી
આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે દારૂની મહેફિલનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ નાનાપોઢા PSI અને 3 પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો આદેશ કર્યો હતો. તેમજ દારૂની મહેફિલમાં ઉપસ્થિત રહેનાર પોલીસ જવાનો સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીના આદેશ સોંપતા જિલ્લામાં પોલીસ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.