કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પેટ્રોલ ઉપર ટેક્ષ ઘટાડતા દિવાળી પૂર્વે પેટ્રોલના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કોંગ્રેસ ઉપર વરસ્યાં હતા.
કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર ટેક્સ ઘટાડતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. 100ને પાર પહોંચેલા પેટ્રોલ ડીઝલના ભાવો 100ની નીચે આવે જતા રાજ્યમાં લોકોને ઘણી રાહત થઈ હતી.
જિલ્લાના કપરાડા ખાતે કેબીનેટ મંત્રી જીતુ ચૌધરીનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના નાણાં તથા પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા દેશની જનતાને ખોટા માર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.
રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના ઘરે દિવાળી અને નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહ મિલનમાં વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કપરાડા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી જીતુ ચૌધરી સતત ચાર ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. ત્યારે દર વર્ષે નવ વર્ષના દિવસે જીતુ ચૌધરીના ઘરે મેળા જેવો માહોલ હોય છે. દર વર્ષે તેમના દ્વારા યોજાતા આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં તેમના મત વિસ્તારના લોકો તેમને અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવવા પહોંચે છે. આ વર્ષે તેઓ રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. જેથી આ વર્ષે તેમના ઘરે અનેરા ઉત્સાહનો માહોલ હતો. આથી આ વર્ષે પણ કપરાડા અને સમગ્ર વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારની પરંપરાગત એવી ઘોર નૃત્યનું પણ આયોજન કરાયું હતું.
મંત્રી જીતુ ચૌધરીના ઘરે ખેલૈયાઓ નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચ્યાં હતા. ઘોર નૃત્ય કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરાઈ છે. તો આ ઘેરૈયાઓ જે ઘરે જાય છે તેમને નવ વર્ષના આશીર્વાદ પાઠવે છે. યજમાન પરિવારો તેમને આવકારી અને તેમની પૂજા કરી અને યથાશક્તિ દાન-દક્ષિણા આપે છે. આમ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નવા વર્ષને અનોખી રીતે ઉજવવામાં આવે છે.
કપરાડા તાલુકા ખાતે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે પણ ઉપસ્થિત રહી મંત્રી અને તેમના પરિવારને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જીતુ ચૌધરીના ઘરે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઇ પણ પહોંચ્યા હતા. આમ જીતુ ચૌધરીના નિવાસસ્થાન પર રાજ્યના બે મહત્વના વિભાગ ધરાવતા મંત્રીઓએ લોકોને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં બંને મંત્રીઓએ વલસાડ જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી અને રાજ્યની અને દેશની જનતાને નવા વર્ષની ભેટ ધરી છે. ત્યારે આજે મીડિયા સાથેની વાતમાં રાજ્યના મંત્રીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
મંત્રીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શનો કરતી કોંગ્રેસ અને કોંગ્રેસ શાસિત રાજ્યો પર આક્ષેપો કર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે માત્ર રાજકીય રમત રમી રહી હતી. જોકે, દેશની ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડીઝલમાં વેટમાં ઘટાડો કરી અને લોકોને નવા વર્ષને દિવાળીની ભેટ ધરી છે, પરંતુ હજુ પણ કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોએ ભાવમાં ઘટાડો નથી કર્યો. આથી કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકારણ રમતી હોવાનો બંને મંત્રીઓએ આક્ષેપ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.