MLA સામે નારાજગી:કકવાડીમાં અગરિયા જમીન અને ઝિંગા તળાવો મુદ્દે વલસાડ MLA સામે નારાજગી, કાળા વાવટા ફરકાવ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MLA- સાંસદ મોદીની મીટિંગમાં કેવડિયા પહોંચતા ભૂમિપૂજન કાર્યક્રમમાં આવી ન શક્યા

વલસાડ કાંઠાના કકવાડી ગામના કેટલાક મીઠાના અગરિયા અને રહીશોએ સરકાર દ્વારા મીઠાના અગરિયાની ભાડા પટ્ટાની જમીનનું રિન્યુઅલ ન થતાં ગેરકાયદે ઠરતા અને આ જમીન કોઇ ખાનગી એકમને આપી દેવાની હિલચાલ તથા સરકાર દ્વારા ઝિંગાના તળાવો દૂર કરવાની કાર્યવાહી મુદ્દે ધારાસભ્ય સામે અસંતોષ દર્શાવ્યો હતો.નાનીદાંતીમાં રૂ.34 કરોડના ખર્ચે બનનાર પ્રોટેકશન વોલના કામનું ભૂમિપૂજન કરવા ધારાસભ્ય ત્યાંથી પસાર થવાના હોવાની જાણ થઇ હતી,પરંતું પીએમ મોદીએ કેવડિયા ખાતે રાખેલી મિટીંગમાં ધારાસભ્ય અને સાંસદ કેવડિયા પહોંચતા નાનીદાંતીમાં સ્થાનિક આગેવાનોના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.જો કે કકવાડીના રહીશોએ ધારાસભ્ય આવવાના છે તેવી ધારણાં સાથે રસ્તા પર ભેગા થઇને કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.

વલસાડ તાલુકાના નાનીદાંતી મોટીદાંતીમાં દરિયાઇ ભરતીના કારણે કિનારાને લાગૂ જમીનના સતત ધોવાણ અને માછીમા્ર પરિવારોના જાનમાલના નુકસાનને અટકાવવા માટે ધારાસભ્ય ભરતભાઇ પટેલે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઇ ચૌધરી સમક્ષ દરખાસ્તો રજૂ કરતાં સરકારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે 34 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરી હતી.આ પ્રોટેક્શન વોલના કામનું ભૂમિપૂજન કાર્યક્રમ રવિવારે ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને સાંસદ ડો.કે.સી.પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર હતો,પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોવાથી રવિવારે કેવડિયા ખાતે રાખેલી મિટીંગમાં ધારાસભ્યો સાંસદોને પણ આમંત્રિત કરાતા ભરતભાઇ કેવડિયા પહોંચ્યા હતા.જેને લઇ નાનીદાંતીમાં તેમના અને સાંસદના હસ્તે થનાર ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા.આ સંજોગો વચ્ચે કકવાડી ગામે કેટલાક રહીશોએ કાળા વાવટા લઇ ધારાસભ્ય સામે નારાજગી દર્શાવવા વિરોધ કર્યો હતો.જો કે કકવાડી ખાતેની આ ઘટનામાં તાલુકા ભાજપના કોઇપણ હોદ્દેદારો ન હતા.જ્યારે બીજીતરફ ધારાસભ્ય ભરતભાઇ પટેલે કકવાડીના અગરિયાના આક્ષેપોને ફગાવી વિકાસના કામો કર્યા છે તે રેકર્ડ પર છે તેવું જણાવ્યું હતું. કાંઠાના ગામ લોકોએ ધારાસભ્યની સાથે આગામી ચૂંટણીનો પણ વિરોધ કરવા માટે મન બનાવી ચૂક્યા છે.

સરકાર દ્વારા કાર્યવાહી થઇ છે, તેમાં MLAનો કોઇ રોલ નથી:ભરતભાઇ પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલે ગુજરાતના પ્રવાસે આવતા કેવડિયા ખાતે ધારાસભ્યો સાંસદો માટે એક મિટિંગ રાખી હતી,જેમાં રવિવારે ત્યાં ગયા હતા.ત્યારે કકવાડીમાં વિરોધની વાત મળી હતી.પરંતું સરકારે ઝિંગાના તળાવો દૂર કર્યા તેમાં અને 2004થી અગરિયાની રિન્યુલ વિનાની જમીન છે,જેના પર સરકારે ગેરકાયદે તળાવો હટાવી આ જમીન ઉપર રૂ.90 કરોડના ખર્ચે સી ફુડ પ્રોસેસિંગનો ખુબ મહત્વનો અને માછીમારો માટે અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરનાર છે,જે માછીમારોના હિત માટે છે.તળાવો દૂર કરવા કે જમીન અંગે ધારાસભ્ય તરીકે મારો કોઇ રોલ નથી.10 વર્ષમાં કકવાડી સહિતના વિસ્તારમાં રૂ.2.50 કરોડના કામો કર્યા અને દાંતી,દાંડી,ભાગલમાં રૂ.4 કરોડના કામો કર્યા છે જેથી કામો ન કર્યાના આક્ષેપો બિનપાયેદાર છે.

અન્ય સમાચારો પણ છે...