દાદરા નગર હવેલીમાં 30નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ તમામ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના હસ્તે પ્રદેશની અનેક મહત્વની યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવશે. દાદરા નગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને લઈ એપીજે અબ્દુલ કલામ કોલેજ હોલમાં પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓ, સામાજીક સંગઠનો તેમજ ઉદ્યોગકારો સાથે બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું.
પીએમની મુલાકાતને ઉત્સવ તરીકે મનાવવા આહવાન કરાયું
છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર તરફથી અનેક ભેંટ સોગાતો મળી છે. નાના પ્રદેશમાં 150 સીટની મેડીકલ કોલેજના મકાનનું ખાતમુહૂર્ત કર્યાના ગણતરીના સમયમા તબીબી તાલીમ ઉભી કરાવી એ એક મહત્વની ઘટના કહી શકાય. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવશે. તેમજ વિવિધ શૈક્ષણિક અને વિકાસ કાર્યોનું પણ ઉદ્ધાટન અને ખાતમુહૂર્ત કરવામા આવશે. હોલમા ઉપસ્થીત લોકોને પ્રશાસક પ્રફુલભાઇ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના આગમનને પ્રદેશના દરેક લોકો એક ઉત્સવના રૂપે લેશે અને એમણે જે પ્રદેશના વિકાસને ગતિ આપી છે એના આભાર રૂપે સ્વૈચ્છિક રીતે ફળિયા મહોલ્લાને શણગારી પ્રધાનમંત્રીનું સ્વાગત કરી ઉત્સવ મનાવવા આહવાન કર્યું હતું.
આ અવસરે પ્રશાસક પ્રફુલભાઇ પટેલ, દમણના સાંસદ લાલુભાઇ પટેલ, દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ, સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિત ઉદ્યોગપતિઓ, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.