વલસાડ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે કોરોના બેકાબૂ બનવા તરફ જઇ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે ચહલપહલ મચી છે.એક તરફ 15 થી 18 વર્ષની વયજૂથના યુવાઓનું વેક્સિનેશન થઇ રહ્યું છે ત્યારે કોરોનાનો ઉછાળો વધી જતાં જિલ્લા આરોગ્ય વિભાગ સાબદું બની ગયું છે.બીજી તરફ આ સંક્રમણ અટકાવવા અન કોરોનાથી સુરક્ષિત રહેવા હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરો સાથે 60 પ્લસ કોમોર્બિડિટી ધરાવતા વયસ્કોને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનું આયોજન10 જાન્યુઆરી 2022થી શરૂ કરવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.
કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા અને સંક્રમણ રોકવા હવે બુસ્ટર ડોઝ (પ્રિકોશન ડોઝ) આપવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.જિલ્લામાં આરોગ્ય વિભાગના 30 હજાર જેટલા હેલ્થ વર્કરો અને ફ્રન્ટ લાઇન વર્કરોને બુસ્ટર ડોઝ અપાશે.10 જાન્યુઆરી 2021,સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાની કાર્યવાહી હાથ ધરવાનું જિલ્લા આરોગ્ય વિભાગે તૈયારી કરી લીધી છે. આ ડોઝ લેવાથી પ્રથમ તબક્કામાં પાત્રતા ધરાવતા આ વ્યક્તિઓના શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડીઝનું સ્તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે.
બીજા ડોઝના 9 માસ પૂર્ણ થતા બુસ્ટરને પાત્ર
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી જે હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઇન વર્કરો તથા 60 પ્લસ કોમોર્બિડિટી ધરાવતા વયસ્કોને બુસ્ટર ડોઝ અપાનાર છે તેમાં પાત્રતા પણ નક્કી કરવામાં આવી છે.જેમાં જેઓએ સેકન્ડ ડોઝ લીધાને 9 માસ પૂર્ણ કર્યા હોય તેવા આ કેટેગરીના વ્યક્તિઓને બુસ્ટર ડોઝ (પ્રિકોશન ડોઝ) લેવાને પાત્ર ગણવામાં આવ્યા છે.
બન્ને ડોઝ વહેલી તકે લેવાની જરૂર
વધતા જતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરિયન્ટના વ્યાપને પગલે રાજ્ય સરકારે 8 જાન્યુઆરીથી અનિવાર્ય સંજોગોમાં છુટછાટ આપવાની સાથે વધુ નિયંત્રણો અમલી બનાવ્યા છે. વિદેશથી આવેલા નાગરિકોને સાત દિવસ માટે 7 દિવસ માટે ફરજિયાત હોમ કવોરોન્ટાઇન રહેવા જણાવ્યું છે.હાલના સંજોગોમાં વેકસિન ન લીધી હોય એવા વ્યક્તિઓને કોરોના સંક્રમણ થવાનો ભય વધારે હોય વહેલી તકે લેવી ખૂબ જ જરૂરી છે.
બુસ્ટર ડોઝ લેવા અધિકારીઓની અપીલ
જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-19 રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા વેક્સિશનો બુસ્ટર ડોઝ લેવા વલસાડ કલેક્ટર ક્ષિપ્રા અગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે ભારપૂર્વક અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.