આરોપીઓ ઝડપાયા:વાપીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક 24 કલાક પહેલા જ જેલમાંથી જામીન મેળવી ઘરે આવ્યો હતો
  • 5 શખ્સોએ હથિયાર વડે યુવક પર હુમલો કરતા સારવાર દરમિયાન મોત થયું હતું

વલસાડ જિલ્લાના વાપી પાલિકા અને GIDCને જોડતા J ટાઈપ રોડ પર રવિવારે મધ્યરાત્રીએ 5 જેટલા યુવકોએ એક 27 વર્ષીય યુવક ઉપર જૂની અદાવતમાં લોખંડના રોડ, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ હત્યાના ગુનામાં વાપી GIDC પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાના વાપી GIDCના J ટાઈપ રોડ પાસે નામચીન કલીમ ઉર્ફે હકલો, શશીકાંત મિશ્રા, કાદિર મન્સૂરી સહિત 5 જેટલા ઈસમોએ દિલીપ વનવાસી સાથે અઢી માસ પહેલા થયેલી મારમારીની અદાવતમાં તેને અટકાવી લોખંડના રોડ, હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ દિલીપને ઇજાગ્રસ્ત હાલતમાં છોડી આરોપીઓ ભાગી છૂટયા હતા. આ ઘટનાની જાણ વાપી GIDC પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી 108ની મદદ વડે ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકે દિલીપના પિતા શિવધન વનવાસીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી કલીમ ઉર્ફે હકલો સૈયદ, બંસી રાજેશ હળપતિ, લકકી ઉર્ફે શશીકાંત મિશ્રા, ભોલું, કાદર મનસુરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાંએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેમના ઉપર ચોરી, અપહરણ, આર્મ્સ એક્ટ, મારામારી કરવી જેવા અનેક ગુના નોંધાયેલા છે. આરોપીઓએ આવી જ જૂની અદાવતમાં દિલીપ વનવાસી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હત્યારાઓ સાથે મૃતક યુવકનો ઝઘડો થયો હતો. તેમાં તે જેલવાસ કાપતો હતો. એક દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. જે બાદ તેના મિત્રો સાથે દમણ ના આટીયાવાડમાંથી રાત્રે પરત આવતો હતો ત્યારે મોકો જોઈ વોચ ગોઠવી ઉભેલા હત્યારાઓએ તેને રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. તેમજ આ ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ છીરીના પંચાયત સભ્ય પર આક્ષેપો કર્યા હતા. જે અંગે પોલીસે જણાવ્યું હતું કે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. અને એ અંગે સઘન પૂછપરછ તેમજ તપાસ કરી આ હત્યામાં જે પણ વ્યક્તિની સંડોવણી હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે યુવકની હત્યામાં સામેલ અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...