આદેશ:હવે પોલીસ ખાનગી વાહનમાં દારૂની ખેપ મારતી ગાડીનો પીછો નહિ કરી શકે: જિલ્લા પોલીસ વડા

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસની છબી બગાડતી ઘટનાઓ બાદ નિર્ણય લેવામાં આવ્યો

ડુંગરીનો કોન્સ્ટેબલ ખાનગી વાહનમાં ચીખલીની હદમાં ઘૂસીને અનધિકૃત રીતે બેફામ ગતિએ દારૂની ગાડી પકડવાના ચક્કરમાં ગાડી પલટી જવાનો કિસ્સો અને અટગામમાં મળતિયા ચરીના પન્ડરો દ્વારા ખાનગી ગાડીમાં દારૂની ગાડીનો પીછો કરવા સર્જેલા અકસ્માતની ગંભીર ઘટનાઓ બાદ એસપીએ જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓને સંદેશો આપી હવેથી કોઇપણ પોલીસ કર્મચારી દારૂની ગાડીનો પીછો ખાનગી વાહન લઇને કરી શકશે નહિ અને જેઓ આવું કરે છે તેમના નામો મોકલવા પણ આદેશ કર્યો છે.

ડુંગરી પોલીસ મથકનો કોન્સ્ટેબલ નિતેન્દ્ર પટેલની કરતૂતો અને અટગામની ઘટના બાદ જિલ્લામાં ફાટીને ધૂમાડે ગયેલા પોલીસ પર એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની ગાજ વરસી હતી.જેની ઘનિષ્ટ તપાસ બાદ વિવિધ પો.મથકના 12 કોન્સ્ટેબલોને પોલીસ હેડક્વોર્ટરમાં ખસેડવાનો હુકમ કરી 8 જીઆરડીને ઘરભેગા કરી 4 હોમગાર્ડને પણ છુટા કરવા તજવીજ હાથ ધરી હતી.જિલ્લામાં વારંવાર બનતી આવી ઘટનાઓને લઇ જિલ્લા પોલીસ વિભાગની છબી કલંકિત થતાં હવે આવી ઘટના રોકવા માટે એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જિલ્લાના દરેક પોલીસ મથકના અધિકારીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે.

દરેક થાણા અધિકારી ધ્યાનથી સાંભળી લે
એસપી ડો.રાજદિપસિંહ ઝાલા જિલ્લામાં દારૂ પકડવા ખાનગી ગાડીઓનો ઉપયોગ અને તેનાથી સર્જાતી ઘટનાઓથી અત્યંત વ્યથિત અને ગુસ્સામાં છે.તેમણે પોલીસ અધિકારીઓને ઓડિયો સંદેશો આપતાં કહ્યું કે,દરેક થાણા અધિકારીઓ ધ્યાનથી સાંભળી લે કે આવી ઘટનાઓની ગૃહ મંત્રી સુધી નોંધ લેવાય છે.પીઆઇની જાણ બહાર કોન્સ્ટેબલો પીછો કરે અને પન્ડરો બીજી ગાડીમાં પીછો કરે તેવા નોટોરિયસના નામો આપો.આવું બનશે તો થાણા અધિકારીઓની તકલીફ વધશે.તમામ પો.સ્ટે.ના ઇન્ચાર્જ અધિકારીઓ સક્રિય થઇને આના ઉપર અંકુશ મેળવો.ડીવાયએસપી પણ આની સમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આપે.

પોલીસ સ્ટેશનો ભૂલ કરે તે ચલાવી નહિ લેવાય
એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ એમ પણ સંદેશો આપ્યો છે કે,દરેક પોલીસ સ્ટેશનો આવી ભુલ કરે તે નહિ ચાલે ,આવું ગેરવ્યાજબી પોલીસિંગ છે,એટલે આવું પોલીસિંગ નહિ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...