ડુપ્લીકેટ નોટના રેકેટનો પર્દાફાશ:કપરાડા પાસેથી રૂ.500ના દરની 586 ડુપ્લીકેટ નોટ સાથે યુવક ઝડપાયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGની ટીમે ડુપ્લીકેટ નોટ, બાઈક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપીને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા

વલસાડ SOGની ટીમે કપરાડા RTO ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્રથી આવતા બાઈક ચાલકને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂ. 500ના દરની એક જ નંબર વાળી ઝેરોક્ષ કરેલી 586 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. જેથી કપરાડાના યુવકને ઝડપી પાડ્યો હતો. SOGની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે FIR નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની SOGની ટીમને મહારાષ્ટ્રના નાસિક થઈ કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં રૂ 500ના દરની ડુપ્લીકેટ નોટનો જથ્થો લઈને યુવક બાઈક ઉપર આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. વલસાડ SOGની ટીમે બાતમીના આધારે કપરાડા RTO ચેકપોસ્ટ ખાતે વોચમાં ઉભા હતા. આ દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા તેને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂ. 500ના દરની 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કપરાડાના કિશન કાળુભાઇ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. રૂ 500ના દરની કલર પ્રિન્ટ કરેલી નોટ અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.

મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબકમાંના બાફણવીહીર ગામમાં રહેતા માધવ રામદાસ બાંભણે કપરાડા ખાતે રહેતા અજાણ્યા ઇસમને રૂ. 2.93 લાખના દરની ડુપ્લીકેટ નોટ આપીને તેની પાસેથી રૂ 40 હજારની ખરી નોટ લેવા અંગે જણાવ્યું હતું. આ કામ કરવાના કિશનને રૂ.5 હજાર આપવાની વાત થઈ હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. SOGની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે FIR નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

ધરમપુર કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં ઓછુ ભણેલા લોકો વધારે હોવાથી કોઈને ચલણની નોટ સાચી કે ખોટી જલ્દી ઓળખી શકતા ન હોવાથી આરોપીઓ કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં જ આવી નોટો ફેરવતા હોવાનું કૌભાંડ SOGની ટીમે ઝડપી પાડ્યું હતું. પોલીસે નાસિકના ત્ર્યંબકમાં રહેતા માધવ નામના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નાસિકના ઇસમે કપરાડાના સાગરિતને નોટ આપી હતી
ડુપ્લિકેટ નોટ ઘૂસાડવાનો મુખ્ય આરોપી નાસિકના ત્ર્યંબક તાલુકાના બાફણવિહીર ગામનો માધવ રામદાસ બાંભણે હોવાનું બહાર આવ્યું હતું.માધવ રામદાસ પાસેથી કપરાડાના કિશને બનાવટી નોટ મેળવી હતી.નાસિકના સૂત્રધારને વોન્ટેડ જાહેર કરાયો છે. કિશન વોન્ટેડ આરોપી માધવ સાથે 1 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં મજૂરી કામે ગયો હતો ત્યારે પરિચયમાં આવ્યો હતો.

કપરાડામાં કોઇ ઇસમ પાસેથી રૂ.40 હજાર લેવા જણાવ્યું હતું
કપરાડના ઘોટવળ ગામનો આરોપી કિશનને ડુપ્લિકેટ નોટનો જથ્થો આપી ડિલીવરી કરવા મોકલાયો હતો.નાસિકના મુખ્ય સૂત્રધાર માધવ રામદાસે કપરાડાના કિશનને બનાવટી નોટોની સામે રૂ.40 હજાર એક ઇસમ પાસેથી લેવા જણાવ્યું હતું અને તેની સામે કિશનને રૂ.5 હજાર કમિશન આપવાનું નક્કી કરાયું હતું.આરોપી કિશન મજૂરી કરે છે અને ધો.4 ભણ્યો છે.

દેશના આર્થિક તંત્રને ફટકો આપનાર આ કૃત્યના મૂળ સુધી તપાસ જરૂરી
તેની તપાસ ડુપ્લિકેટ નોટ કોને ડિલીવરી કરવાની હતી અને નોટનું સ્કેનિંગ કયા કરાતું હતું તેની તપાસ શરૂ કપરાડામાં રૂ.500ના દરની ઝડપાયેલી ડુપ્લિકેટ નોટનું સ્કેનિંગ કરી કલર પ્રિન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા આ ગોરખધંધો ક્યાં કરાતો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે. ઉપરાંત આ નોટની ડિલીવરી આરોપી કોને કરવાનો હતો તેની તપાસ ચાલુ છે. ભૂતકાળમાં પણ કપરાડા અને મહારાષ્ટ્રના નાસિક કનેકશનનો બોગસ નોટ ને છાપીને બજારમાં ફરતી કરવાનું રેકેટ ઝડપાયું હતું. કેસમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...