વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ, કનાડુ, પુનાટ, એકલારા, પાલીધુયા વગેરે ગામોમાં રસ્તે રખડતા પશુઓને મહારાષ્ટ્રથી આવતા તસ્કરો બેભાન કરી પોતાના વાહનમાં તસ્કરી કરીને લઈ જતા હતા. મહારાષ્ટ્રના કતલખાને પશુઓને લઈ જતા હોવાની ફરિયાદ વારંવાર ઊઠી છે. ફરિયાદોને આધારે ભિલાડ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પાલીધુયા રાયણી ચાર રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં એક સ્કોર્પિયો કાર પુરઝડપે આવી રહી હતી. પોલીસ જવાનોએ કાર ચાલકને કાર અટકાવવા ઈશારો કરવા છતાં કાર આગળ નીકળી ગઈ હતી. પોલીસ જવાનોએ કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને પુનાટ ત્રણ રસ્તા પાસે ગૌ તસ્કરોને અટકાવવા ગૌરક્ષકોની મદદ પોલીસે માગી હતી.
ગૌવંશો બેભાન કરવાના ઇન્જેક્શન તપાસમાં મળી આવ્યા
ગૌરક્ષકો પુનાટ ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ કારની વોચમાં પહેલેથી ઊભા હતા. શંકાસ્પદ કાર આવતા તેને અટકાવવા જતા કાર ચાલકે ગૌરક્ષકોની કારને ટક્કર મારી આગળ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર અચાનક અટકી ગઈ હતી. કારમાંથી કેટલાક ઈસમો ભાગવા જતાં ગૌરક્ષકો અને પોલીસ જવાનોએ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ ઈસમો ભાગવામાં સફળ થયા હતા. પોલીસે શંકાસ્પદ કારને ચેક કરતા કારમાંથી ગૌવંશોને બાંધવાના દોરડા, બેભાન કરવા માટે ચાર ઇન્જેક્શન, બ્રેડના બે પેકેટો સહિત ગૌ તસ્કરીનો સામાન ઝડપી પાડ્યો હતો.
ખોટી નંબર પ્લેટવાળી કારથી ગૌ તસ્કરી
પકડાયેલા બંને આરોપીઓ અને કારની તપાસ કરતા કારની નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ગૌ તસ્કરી માટે ભિવંડી ખાતેથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભિલાડ પોલીસે આસિફ ઉર્ફે મલિયા મલિક અને અફઝલ ઉર્ફે બદદુ તસ્લીમ ખાનની અટકાયત કરી હતી. અન્ય પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.