ઉદઘાટન:કપરાડા-ધરમપુરની જીવાદોરી અસ્ટોલ યોજનાનું આજે PM મોદી લોકાર્પણ કરશે

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાડા ચાર વર્ષ પૂર્વે યોજનાનું​​​​​​​ ખાર્તમૂહર્ત કરાયું હતું, 174 ગામને લાભ

ચીખલી ખુડવેલમાં 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ તાલુકાઓ ધરમપુર અને કપરાડા માટે પાણીની સુવિધા માટે 586 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા એસ્ટોલ પાણી પુરવઠા પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે. .

આ પ્રોજેક્ટની ખાતમૂહુર્તવિધિ 4 વર્ષ અગાઉ વડાપ્રધાને જાતે વલસાડ જૂજવામાં 2018માં યોજાયેલી એક સભામાં કરી હતી. આ પ્રોજેકટ પુરો થતાં વલસાડના પહાડી વિસ્તારના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામ અને 1028 ફળિયાઓમાં રહેતા 4.50 લાખ જેટલા ગ્રામીણ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન આવશે. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટ સરકારના ઇજનેરોએ અનેક પડકારોનો સામનો કરી આ પૂરો કર્યો છે જેની સરકારે પણ નોંધ લીધી છે.

એન્જિનીયરિંગની દ્રષ્ટિએ પણ પહાડી વિસ્તારોમાં એસ્ટોલ પાણી પુરવઠા પ્રોજેક્ટ મોટી ચમત્કારિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. તેના દ્વારા લગભગ 200 માળ એટલે કે 1875 ફીટની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ શક્ય બન્યું છે. વડાપ્રધાન દ્વારા તેનું ઉદઘાટન થયા પછી ધરમપુર અને કપરાડા વિસ્તારના 174 ગામડાઓમાં રહેતા 4.50 લાખ લોકોની પાણીની સમસ્યા હલ થઇ જવાની અપેક્ષા સેવવામાં આવી રહી છે.

વાપી સહિત જિલ્લામાંથી 70 હજારથી વધુ લોકો મોદીના કાર્યક્રમમાં જશે
વાપી,વલસાડ,પારડી,ધરમપુર,કપરાડા, ઉમરગામ તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ચીખલી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા અંગેની બેઠકો દોર ચાલી રહ્યો હતો.10 જુને શુક્રવારે ચીખલી ખાતે વડાપ્રધાન 4 લાખ લોકોને સંબોધન કરી કરોડો રૂપિયાની પાણી યોજનાઓનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સૌથી વધુ લોકો પહોંચે તે માટે ભાજપ સંગઠનોએ તડામાર તૈયારીઓ કરી છે.

વલસાડ જિલ્લામાંથી 1 હજારથી વધુ સરકારી અને ખાનગી વાહનોમાં 70 હજારથી વધુ લોકોને પી.એમ.ના કાર્યક્રમમાં લઇ જવામાં આવશે.પ્રદેશ ભાજપના નેતાઓથી લઇ શક્તિ કેન્દ્રના પ્રમુખ સહિતના કાર્યકરો આ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત બન્યાં છે. એક તરફ આદિવાસી પટ્ટા પર આંદોલનો ચાલી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી ખાતે આવી રહ્યાં છે. જેથી લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મોદીના કાર્યક્રમના કારણે સરકારી કચેરીઓ ખાલીખમ જોવા મળશે. ડેપો પર મુસાફરો રઝળતા જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...