દાનહના વાસોણામાં વન્યજીવો માટે અનામત જંગલની જમીનમાં ગેરકાયદે વસવાટ કરી ખેતી કરતા આવેલી વ્યક્તિ સામે ચાલતા કેસમાં સેલવાસ કોર્ટે 2 હજારનો દંડ ફટકારી તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો. દાનહના વાસોણા વન્ય જીવ અભ્યારણમાં ગેરકાયદે અતિક્રમણ કરી વસવાટ કરવા બાબત ગુનેગાર ધાકલ રૂપજી તુમણા વિરુદ્ધ વન અધિકારી કિરણસિંહ પરમારે વન્ય જીવ કાયદા 1972કલમ અંતર્ગત ગુનો નોંધી ચાર્જશીટ ફાઈલ કરી હતી.
જે સંદર્ભે સેલવાસ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારી વકીલ પ્રવિણ પટેલની ધારદાર દલીલ બાદ સિવિલ જજ બી.એસ.પરમારે ચુકાદો આપતા ગુનેગાર ધાકલ તુમણાને બે હજાર અથવા બે મહિના સખ્ત કેદની સજા અને તાત્કાલિક અતિક્રમણ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. વન અધિકારીના જણાવ્યા અનુસાર વાસોણા લાયન સફારી સામે આવેલ વન્યજીવ અભ્યારણમાં કેટલાક ઈસમો અતિક્રમણ કરી ખેતી કરી રહ્યા છે. તેનો પણ ટૂંકા દિવસોમાં ચુકાદો આવી શકે એમ છે. તે સિવાય 15 વ્યક્તિઓ સામે હાલમાં હાઇકોર્ટમાં પણ કેસો ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.