વલસાડમાં નજીક આવી રહેલા ધાર્મિક તહેવારો દશામાં,મહોર્રમ તાજિયા અને ગણેશ મહોત્સવ નિમિત્તે સૌહાર્દ અને ભાઇચારા વચ્ચે સંપન્ન કરવા માટે સજાગતા દાખવવા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.
વલસાડ ખાતે મામલતદાર કચેરીમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિલેશ કુકડિયા,મામલતદાર તેજલ ચૌધરી અને ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, પીઆઇ ડી.એમ.ઢોલ, પાલિકા અને વિજકંપનીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આગામી ધાર્મિક તહેવારો ખુબ સૌહાર્દ અને શાંતિપૂર્ણ રીતે ઉજવવા જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખવા શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમાં જિ.ભાજપ ઉપપ્રમુખ નિખિલ ચોકસી, કોંગ્રેસના આગેવાન ભોલાભાઇ પટેલ, પાલિકા વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ, સિનિયર સભ્ય ઝાકીર પઠાણ, તાજિયા કમિટિના અફઝલ બાવા, ઇરફાન કાદરી વિગેરે સહિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. દશામાં વિસર્જન, તાજિયા વિસર્જન માટે નક્કી થનાર રૂટ પર શાંતિથી પસાર થઇને આ તહેવાર ઉજવવા માટે એસડીએમ નિલેશ કુકડિયાએ અનુરોધ કર્યો હતો.
પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ કાયદા અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા તેમજ કોઇને કોઇ અડચણ ન થાય કે કોઇની લાગણી ન દૂભાઇ તેવી બાબતોનો ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું.ઉપસ્થિત નાગરિકો અગ્રણીઓએ ખાડા પૂરાણ,વિસર્જન સ્થળે લાઇટની સુવિધા તથા વિજતાર જેવા પ્રશ્નો ઉકેલવા સૂચનો રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.