મુસાફરો પરેશાન:રાજકોટથી મુંબઈ જતી પટેલ ટ્રાવેલ્સની બસ ખોટકાતા યાત્રીઓનો હોબાળો, વલસાડમાં બસ બદલી અપાતા મામલો શાંત પડ્યો

વલસાડ2 મહિનો પહેલા
  • અમદાવાદ ખાતે બસ બદલી ખખડધજ બસ ફાળવી આપી
  • 4 યાત્રીઓની તબિયત લથડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવા પડ્યા

રાજકોટથી મુંબઈ જઈ રહેલી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બસ રસ્તામાં 4 વખત ખોટકાતા તેમજ AC પણ બંધ રહેતા બસમાં સવાર યાત્રીઓ પરેશાન થયા હતા. જેને લઈ યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. આ બસમાં 40 યાત્રીઓ સવાર હતા. પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા રાજકોટથી શનિવારે સાંજે 6 કલાકે યાત્રીઓ પાસેથી AC અને ઉત્તમ સેવા આપવા માટે રૂપિયા 1400થી વધારે ફી ઉઘરાવી યાત્રીઓને મુંબઇ લઈ જઈ રહ્યા હતા. જોકે, બસમાં AC બંધ હાલતમાં હતી. તેમજ અમદાવાદ ખાતે બસ બદલી ખખડધજ બસ ફાળવી આપી હતી. જેથી અમદાવાદથી મુંબઈ જતા 4 વખત બસ બગડી ગઈ હતી.

બસમાં AC બંધ રહેતા યાત્રીઓને ભારે મુશ્કેલી પડી હતી અને 4 યાત્રીઓની તબીયત પણ લથડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવા પડ્યાં હતા. રસ્તામાં બસ ખોટકાતા યાત્રીઓ બસ સંચાલકોને જાણ કરતા પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ યાત્રીઓને ઉડાવ જવાબ આપ્યાં હતા. જેથી યાત્રીઓએ બસને પોલીસ મથકે લાવી હતી ત્યારે સંચાલકોએ અન્ય બસ ફાળવી આપતા મામલો સમેટાયો હતો.

રાજકોટથી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા યાત્રીઓને મુંબઈ જવા માટે ACબસ ફાળવી હતી. જોકે, અમદાવાદથી બસ બદલી નાખી હતી. તેમજ અમદાવાદથી જે બસ યાત્રીઓ માટે ફાળવી હતી તેમાં AC પણ બંધ થઈ ગયું હતું. આ ઉપરાંત અમદાવાદથી વલસાડ સુધીમાં હાઇવે ઉપર બસ 4 વખત ખોટકાઈ હતી. જેથી યાત્રીઓએ બસ બદલી આપવા માટે પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ઘણી વખત રજૂઆત કરી હતી. તેમ છતા બસ બદલી આપી ન હતી. જેથી યાત્રીઓ હેરાન થઈ ગયા હતા. બસના યાત્રીઓ પૈકી 3 યાત્રીઓની તબિયત લથડતા યાત્રીઓને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યાં હતા. યાત્રીઓએ વલસાડ રૂરલ પોલીસ મથકે બસને લાવી હતી.

સંચાલકોએ આપ્યા ઉડાવ જવાબ

બસમાં યાત્રીઓને સફોકેશન થતા યાત્રીઓએ બસના સંચાલકોને હેલ્પઇન નંબર ઉપર ફોન કરતા સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યાં હતા. યાત્રીઓએ જણાવ્યું કે, સંચાલકોને ફોન કર્યા તો તેઓએ કહ્યુ કે, પોલીસ અમારા ખિસ્સામાં છે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરો. બસ તમને બદલી આપવામાં નહીં આવે તમારે તમારી રીતે અન્ય બસમાં યાત્રા કરવી હોય તો તે બસના આગળથી પૈસા ચૂકવી યાત્રા કરો તમને કોઈ રિફંડ પણ આપવામાં નહીં આવે.

આ દરમિયાન યાત્રીઓએ વલસાડ રૂરલ પોલોસ મથકે બસને લાવીને ટુર્સ સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ અન્ય બસ ફાળવી આપતા મામલો સમેટાયો હતો. યાત્રીઓએ બસમાં આગળની યાત્રાની શરૂઆત કરી હતી. યાત્રીઓએ વલસાડ પોલીસ અને દિવ્ય ભાસ્કરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જેના થકી દિવાળીના સમયે યાત્રીઓ પાસે બેફામ પૈસા લૂંટનારા ટ્રાવેલ્સ સંચાલકોએ યાત્રીઓની માંગ સ્વીકારવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...