• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pardini Singer's Dead Body Returned Home After She Went To Collect The Lent Money, Babita Killed The Killer By Giving Betel Nut To Her Friend.

વલસાડ ચર્ચિત વૈશાલી મર્ડર કેસ:વ્યાજે આપેલા પૈસા પરત માગતા બબીતાએ જ કોન્ટ્રાક્ટ કિલર બોલાવી વૈશાલીની હત્યા કરાવી, લાશને કારમાં લઇ અવાવરું જગ્યાએ મૂકી આવી

વલસાડ7 મહિનો પહેલા
  • 8 લાખની સોપારી આપી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી

પારડી તાલુકાની પાર નદીકિનારે એક કારમાંથી વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. આ મામલે વૈશાલીની મિત્ર બબીતા જ મુખ્ય ષડયંત્રકારી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વૈશાલીની હત્યા માટે તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યા હતા. આ પૈસા બબીતા પરત આપવાની આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. બબીતાએ કિલરને 8 લાખની સોપારી આપી હોવાની વિગત બહાર આવી છે. પોલીસે બબીતાની અટકાયત કરી છે જ્યારે પ્રોફેશનલ કિલરને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
ગયા શનિવારે વૈશાલી એક મહિલા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી હતી અને રવિવારે તેનો મૃતદેહ મળ્યો હતો. ફોરેન્સિક પીએમમાં તેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એ મહિલા અને આરોપીઓને પકડવા માટે 8 ટીમ બનાવી હતી અને 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાત દિવસના અંતે પોલીસને આ ચર્ચિત મર્ડર કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે.

બબીતા શર્મા, આરોપી
બબીતા શર્મા, આરોપી

વલસાડ જિલ્લાના પાર નદી કિનારે આવેલું અવાવરું જગ્યામાંથી મળેલી વૈશાલી બલસારાની લાશ મામલે વલસાડ જિલ્લા પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. માત્ર ગણતરીના દિવસોમાં કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી.

વૈશાલી બલસારા
વૈશાલી બલસારા

વૈશાલી બલસારાએ મહિલા મિત્ર બબીતાને અમુક રકમ વ્યાજે આપી હતી. તે રકમ પરત આપવી ન પડે તે માટે વૈશાલી બલસારાની કોન્ટ્રાક્ટ કિલર પાસે હત્યા કરવી હોવાનું સામે આવતા વલસાડ પોલીસે બબીતાની અટકાયત કરી હતી. તેમજ રાજ્ય બહારના કોન્ટ્રાક્ટ કિલરને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

વૈશાલી બલસારાની ગળું દબાવીને હત્યા કરાઈ
વલસાડની પારડી પોલીસે વૈશાલીની લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી અને સુરત ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટૂંપો દઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલી બલસારાના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાઇમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોનાં નિવેદન પણ નોંધવામાં આવ્યાં હતાં.

ભેદ ઉકેલવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી
હત્યાનો ભેદ ઉકેલવા માટે વલસાડ LCB, SOG, પારડી અને સિટી પોલીસની અલગ અલગ 8 ટીમો બનાવી હત્યાના આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. પારડી અને આજુબાજુના વિસ્તારમાં CCTV તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 100થી વધુ CCTV ફૂટેજ ચકાસણી કરવામાં આવી રહ્યા છે. વૈશાલી બલસારાના પરિવારના સભ્યો, નજીકના મિત્રો સહિતના 75થી વધુ લોકોનાં નિવેદનો નોંધ્યાં હતાં.

બે ટીમ રાજ્ય બહાર તપાસ કરવા પહોંચી
શંકાસ્પદ લોકોની ગતિવિધિઓ ઉપર વલસાડ જિલ્લા પોલીસે બાજનજર રાખી છે. વલસાડ જિલ્લા પોલીસે 2 ટીમો રાજ્ય બહાર જઈને શકમંદ લોકોને મળીને તેમનાં નિવેદન નોંધ્યાં હતાં. વૈશાલી બલસારા હત્યા કેસમાં તમામ પાસાઓ ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. વૈશાલી બલસારાનો મોબાઈલ ફોન અને મહિલા પાસેથી લીધેલા રોકડા રૂપિયા ક્યાં ગયાં તે અંગે પણ તપાસ હાથ ધરાઈ હતી. વૈશાલી બલસારાએ વર્ષ 2020માં શહેરના આઝાદ ચોક ખાતે એક કટલેરીની દુકાન શરૂ કરી હતી. વૈશાલી હત્યા કેસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

પતિએ લાશની ઓળખ કરી
વલસાડ શહેર નજીક સેગવી ગામમાં પરિવાર સાથે રહેતી સિંગર વૈશાલી બલસારા 27 ઓગસ્ટ સાંજે ઐયપ્પા મંદિર નજીક એક મહિલાને આપેલા ઉછીના આપેલા રૂપિયા લેવા પોતાની કાર લઈને ગઈ હતી. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિ હિતેશ બલસારાએ સિટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી. પારડી પોલીસે વૈશાલીના પતિને ઘટનાની જાણ કરતા વૈશાલી બલસારાના પતિએ લાશની ઓળખ કરી હતી.

વૈશાલીએ 2011માં બીજા લગ્ન કર્યાં હતાં
હિતેષ બેન્ડમાં ગિટાર આર્ટિસ્ટ છે. હિતેષે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં. હિતેષ બલસારાના પહેલા લગ્નથી એક દીકરી અને વૈશાલી સાથેના લગ્નજીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો. હિતેષ બલસારા તેની પત્ની વૈશાલી, 2 દીકરીઓ અને તેનાં માતાપિતા સાથે રહેતો હતો. વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા.

વૈશાલી બલસારાના ફાઈલ ફોટો

અન્ય સમાચારો પણ છે...