સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:આજે મતપેટીમાંથી નીકળશે પંચામૃત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1068 મતપેટીના મત વલસાડ જિલ્લાના 300 સરપંચોને ચૂંટશે
  • 6 તાલુકાના કાઉન્ટિંગ સેન્ટરો પર 700 કર્મચારીઓ મત ગણશે

વલસાડ જિલ્લામાં 19 ડિસેમ્બરે 302 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાયા બાદ 21 ડિસેમ્બરના રોજ હાથ ધરાનારી મતગણતરીને લઇ ગ્રામ્ય પંથકમાં ભારે ઉત્કંઠાનો માહોલ છવાયો છે. ઉમેદવારોના જીવ અધ્ધર જોવા મળ્યા હતા. હાર કે જીતની ઠેર ઠેર ચોરેને ચૌટે ચર્ચાઓ ચાલી હતી. 6 તાલુકા મથકોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી તંત્રએ સોમવારે તમામ તૈયારીને ઓપ આપી દીધો હતો.દરેક કાઉન્ટિંગ સેન્ટરો ઉપર ગણતરીની કામગીરી માટે 700 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં પંચાયતોની ચૂંટણીમાં 71.04 ટકા મતદાન થયા બાદ ધરમપુર, વલસાડ, પારડી, વાપી,ઉમરગામ અને કપરાડા તાલુકા મથકોએ મતપેટીઓ સ્ટ્રોંગરૂમમાં સીલ કરી પોલીસનો પહેરો ગોઠ‌વી દેવામાં આવ્યો હતો. જિલ્લાની 302 પંચાયતની ચૂંટણીમાં 300 સરપંચની બેઠક માટે 815 ઉમેદવાર અને 2150 વોર્ડ સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારે ઝંપલાવ્યું હતું.

19 ડિસેમ્બર 2021ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ હતી. આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઇ મંગળવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરાનારી મતગણતરી માટે તંત્ર દ્વારા 700 જેટલા ચૂંટણી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. સોમવારે દરેક તાલુકાના મામલતદારોએ કાઉન્ટિંગ કેન્દ્રોની વ્યવસ્થા ચકાસી હતી. વલસાડ તાલુકાના કાર્યપાલક મેજિસ્ટ્રેટ અને તાલુકા ચૂંટણી અધિકારી મનસુખભાઇ વસાવાએ વલસાડમાં આવાબાઇ હાઇસ્કુલ ખાતે મતગણતરી સેન્ટરની મૂલાકાત લઇ કાઉન્ટિંગ વ્યવસ્થાનો તાગ લીધો હતો. જેમાં સરપંચ પદ અને સભ્યપદના ઉમેદવારો માટે બેસવાની વ્યવસ્થા, આરઓની બેઠક, ટેબલો, સાઉન્ડ સિસ્ટમ, ડેટા કલેકશન વિગેર કામગીરી માટેની વ્યવસ્થા ચેક કરી આખરી ઓપ આપ્યો હતો.

દરેક રૂમમાં 1 સુપરવાઇઝર, 2 મદદનીશ ચૂંટણી અધિકારી, RO અને 10 સહાયક કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા
મતગણતરી કેન્દ્રોમાં ટેબલો, બેરિકેડ સાથે આ વ્યવસ્થા વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ, કપરાડા તાલુકા મથકોએ પંચાયતોની સંખ્યા અ્ને વોર્ડ બેઠકો મુજબ ટેબલો ગોઠવાયા છે. વલસાડ તાલુકામાં 81 પંચાયતની ચૂંટણી માટે 14 આરઓ જોતરાયા હતા, જેને લઇ મતણતરી કેન્દ્રમાં 14 રૂમ તૈયાર કરાયા છે. દરેક રૂમમાં બેરિકેડ ઉભા કરાયા છે. જેની સામેના ભાગે ટેબલો ગોઠવ્યા છે. દરેક રૂમમાં 1 સુપરવાઇઝર અને 2 મદદનીશ ચૂંટણી અધિકારી તથા આરઓ ઉપરાંત 10 સહાયક કર્મચારીઓ નિયુક્ત કરાયા છે.

ગણતરીની પ્રક્રિયામાં વધુ સમય લાગશે
ગ્રામપંચયાતોમાં બેલેટ પેપરથી મતદાન થાય છે, જેમાં દરેક વોર્ડની બેઠકોના હરિફ ઉમેદવારોના ચિન્હો, નામ ચકાસી ગુલાબી અને સફેદ રંગના બેલેટોને અલગ કરવાની કામગીરી પ્રથમ હાથ ધરાશે. સભ્ય અને સરપંચોના બેલેટ પેપરો છુટા પાડ્યા બાદ અલગ અલગ ગણતરી કરાશે. એક વોર્ડના બેલેટ પેપરો છુટા પાડતાં જ 20 થી 25 મિનિટનો સમય લાગવાનો અંદાજ દર્શાવાઇ રહ્યો છે. ઉપરાંત રિ-કાઉન્ટિગ કોઈ ઉમેદવાર માગી શકે. જેને જોતાં પરિણામો જાહેર કરવા લાંબો સમય જવાની સંભાવના છે.

વોર્ડ સભ્ય બાદ સરપંચ ઉમેદવારોની મત ગણતરી
મતગણતરી કેન્દ્રમાં જે તે આરઓ હેઠળના રૂમોમાં તાલુકાની પંચાયતોની મતપેટીઓ સ્ટ્રોંગરૂમમાંથી કાઢીને લાવવામાં આવશે. પ્રથમ નાની પંચાયતો અને પછી મોટી પંચાયતોની મતગણતરીને પ્રાધાન્ય અપાશે. પ્રથમ વોર્ડ સભ્યોના ઉમેદવારોનું અને ત્યારબાદ સરપંચના ઉમેદવારોના મતોની ગણતરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...