વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના ગાય વર્ગના 5 પશુમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જે પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ ઘટનાને લઇ તંત્ર એકશન મોડમાં આવી જવા સાથે ડીડીઓએ આ મામલે વિભાગની બેઠક બોલાવી હતી.બાદમાં વલસાડના ગૌધામ અને અન્ય જગ્યાઓએ સ્થળ મૂલાકાત લઇ પશુઓની સ્થિતિનો તાગ લીધો હતો.પશુપાલન શાખાની તાત્કાલિક કાર્યવાહી અને પગલાંઓને લઇ હાલમાં 5 પૈકી 4 પશુમાં રિકવરી આવતા હાશ્કારો મળ્યો છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં લમ્પી વાયરસના કેસોને લઇ વલસાડ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે ડીડીઓ મનિષ ગુરવાનીએ સોમવારે પશુપાલન વિભાગની મહત્વની મીટિંગ બોલાવી હતી.તાલુકા વાઈઝ લાઈઝનિંગ ઓફિસરની નિમણૂંક કરી રસીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વલસાડ જિલ્લાની 32 ગૌશાળામાં 2783 પશુધન અને જિલ્લાની એક માત્ર વાપી ખાતેની પાંજરાપોળમાં 1042 પશુધનનું 100 ટકા રસીકરણ તાત્કાલિક અસરથી કરવા સૂચના આપી હતી. વધુમાં તેમણે સર્વે અને રસીકરણની કામગીરી માટે પશુપાલન અને જીવીકે 10 એમવીડીની 30 ટીમ કાર્યરત કરાઇ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં વલસાડ તાલુકામાં 300, પારડીમાં 450 અને ઉમરગામમાં 100 પશુ મળી કુલ 850 પશુધનનું રસીકરણ કરી દેવાયું છે. જેમાં તાલુકાવાર વિગત જોઈએ તો વલસાડમાં 300, પારડીમાં 450 અને ઉમરગામમાં 100 નો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી તુરંત જ રસીકરણના 11300ના ડોઝ ખરીદવામાં આવ્યા છે. રખડતા પશુઓના રસીકરણ માટે પણ પશુપાલન શાખા અને વલસાડ-વાપીની નગર પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત સાથે મળીને રસીકરણની કામગીરી કરાશે.ડીડીઓ ગુરવાનીએ જણાવ્યું હતું.
ફણસામાં બે પૈકી એક ગાય પોઝિટિવ
નાયબ પશુપાલન અધિકારી પી.જે.દેસાઈએ જણાવ્યું કે,સૌપ્રથમ તા. 16 જુલાઈના રોજ ઉમરગામના ફણસામાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો 2 ગાય વર્ગમાં જણાયા હતા. જેનો રિપોર્ટ આવતા 1 કેસ પોઝિટિવ જણાયો હતો. તા. 29 જુલાઈના રોજ વલસાડના તીથલ રોડ પર ભાગડાવડાની ગૌશાળામાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ ગાય વર્ગમાં જોવા મળ્યા હતા. જે પૈકી 2ની રિકવરી થઈ ગઈ છે માત્ર 1ની સારવાર ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.