• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Out Of More Than 13 Thousand Objection Applications In Re survey Promulgation In The District, 7 Thousand Were Measured And Disposed Of.

બેઠક:જિલ્લામાં રિ-સરવે પ્રમોલગેશનમાં 13 હજારથી વધુ વાંધા અરજી પૈકી સાત હજારની માપણી કરી નિકાલ કરાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારીઓની હાજરીમાં બુલેટ અને એક્સપ્રેસ હાઇવેમાં અલગ અલગ ભાવોનો મુદ્દો ઉઠ્યો

વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરે સંકલન સમિતિના જિલ્લાના સંબધિત ધારાસભ્યોના પ્રશ્નોની રજૂઆતો બાબતે સંબધિત વિભાગના અધિકારીએ કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. એકથી વધુ વિભાગોને લગતા પ્રશ્નો હોય તો સંબધિત પરસ્પર વિભાગોના અધિકારીઓએ સંકલન કરી ત્વરિત નિકાલ લાવવા માટે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર વલસાડની કચેરીમાં રી સર્વે પ્રમોલગેશન પછી કેટલી વાંધા અરજીઓ મળી છે જેમાંથી કેટલી અરજીઓ નિકાલ કરી છે અને કેટલી અરજીઓ નિકાલ કરવાની અને કેટલી અરજીઓ દફતરે કરેલ છે, તે બાબતની તેમની રજૂઆત અંગે જિલ્લા જમીન નિરીક્ષકની કચેરી દ્વારા 11મી ઓક્ટોબર સુધીમાં 13055 વાંધા અરજીઓ મળી છે. જે પૈકી 7875 અરજીઓની માપણી કરી નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી 5014 અરજીઓ દફતરે કરી 4946ના હુકમો કરવામાં આવ્યા છે. જેમાંથી 2312 જેટલી અરજીઓ દફતરે કરવામાં આવી છે. સપ્ટેમ્બર અંતિત મળેલ અરજીઓની માપણી કરી એપ્રિલ 2022 સુધીમાં નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના પ્રોજેકટમાં અલગ અલગ વળતર મળે છે તો એક સરખું વળતર બંન્ને પ્રોજેકટમાં મળે તેવું કોઇ આયોજન કરવા બાબતના અલકાબેનના બીજા એક પ્રશ્નમાં પ્રાંત અધિકારી વલસાડ દ્વારા જણાવાયું હતું કે, બુલેટ ટ્રેન માટે સંપાદન થતી જમીનની વેલ્યુલેશન જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 26ની જોગવાઇ મુજબ 2011 ના જંત્રી તથા કલમ 11ના જાહેરનામના પહેલાના 3 વર્ષના વેચાણને ઘ્યાને લઇ જે વધારે કિંમત હોય તે મુજબ વળતર નક્કી કરી આ એવોર્ડની કામગીરી એક્ષપ્રેસ વે પહેલા 2019 તથા 2020માં આ સંપાદન થયેલ જમીનના એવોર્ડ જાહેર થઇ ગયેલ છે. જયારે એક્ષપ્રેસ વે માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી આ કમિટિમાં જમીનની આજની સ્થિતિએ વેલ્‍યુએશન નક્કી કરી વળતર આપવામાં આવે છે.

બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલ જમીનના એવોર્ડ થઇ ગયેલ હોઇ, જેથી તેમાં વધુ વળતર માટે સુધારો કરવાની કોઇ જોગવાઇ ન હોઇ, અરજદાર નામદાર કોર્ટમાં લેન્‍ડ રેફરન્સ અપીલ કરી પુરાવા આધારો રજૂ કરી વધુ વળતર મેળવી શકે છે.કલેકટરએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી 24 માસમાં નિવૃત્ત થનાર કર્મચારીના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.

બેઠકમાં ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા. રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર એન. એ. રાજપૂત, પ્રાયોજના વહીવટદાર બી. કે. વસાવા, વલસાડ પ્રાંત અધિકારી નિલેશભાઇ કુકડીયા, જિલ્લા આયોજન અધિકારી ગામીત, ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, ઉત્તર અને દક્ષિણ વન વિભાગના નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રૂપક સોલંકી અને સંબધિત અધિકારીઓ હાજર રહયા હતા.

જમીન સંપાદનનો પ્રશ્ન ધારાસભ્યએ ઉઠાવ્યો
ઉંમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના નારગોલ સંજાણ રોડ પર ખતલવાડાથી સંજાણ બાયપાસની વિવાદિત જમીન પર 250 મીટરની ખાનગી ખેડૂતોની જમીનના સંપાદનની કાર્યવાહી બાબતેના પ્રશ્ન કર્યો હતો. જેમાં પારડી નાયબ કલેકટરે જણાવ્યું કે, સંપાદનની કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થતા સંબધિતોને સરકારી ધારાધોરણ મુજબ વળતર અપાશે.

ભીલાડ ફાટક બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા
ભીલાડ ખાતે સાંજના પીકઅવર્સમાં ટ્રેનો પસાર થતા લાંબા સમય સુધી રેલવે ફાટક બંધ રહે છે. મલાવ રેલવે ફાટકનું કામ ચાલુ હોવાથી ઉમરગામ જીઆઇડીસીના ભારે વાહનો પણ રેલવે ક્રોસ કરવા માટે ભીલાડ આવતા હોવાથી આ ટ્રાફિક જામ ન થાય તે માટે સાંજના 6થી 9 કલાક સુધી સરીગામ જીઆઇડીસીમાંથી વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાએ આ બાબતે જીઆઇડીસીમાંથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લવાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...