ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી:વલસાડ જિલ્લામાં એપ્રિલ મહિના દરમિયાન લેવામાં આવેલા 36 નમૂનાઓમાંથી 4 નમૂના ફેલ, દુકાનદારોને નોટિસ ફટકારી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેલ થયેલા નમુનાઓના વેપારીઓ સામે FSA એકટ હેઠળ કાર્યવાહી કરાઇ

વલસાડ વર્તુળના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એપ્રિલ-2022 દરમિયાન જિલ્લાના વિવિધ દુકાનદારો પાસેથી એકત્ર કરાયેલા ખાદ્યપદાર્થોના 45 નમૂનાઓ અને અગાઉના પડતર 54 નમૂનાઓ પૈકી 36 નમૂનાઓની કરાયેલી લેબોરેટરી ચકાસણીમાં 32 નમૂનાઓ પાસ અને 4 નમૂનાઓ નાપાસ જાહેર થયા હતા. નાપાસ થયેલા ચારેય નમૂનાઓનું પરિણામ સબસ્ટાન્ડર્ડ જણાયું હતું, આ નમૂનાઓ જે દુકાનદારો પાસેથી મેળવ્યા હતા તેમની સામે FSA એક્ટ હેઠળ કાર્યવાહી કરી નોટીસ આપવામાં આવી હતી.

ચાલુ માસમાં નાપાસ થયેલા નમૂનાઓની વિગત જોઇએ તો ભગવાનસીંગ ભીમસીંગ પરમાર, મહાકાલેશ્વર ડેરી, બાપા સીતારામ કોમ્પ્લેક્ષ, અમરનગર, ચણોદ પાસેથી લીધેલા ગાયનું છૂટક દૂધ, જીતુ મગરજ પટેલ, માનુમા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ, સેલવાસ રોડ, ચણોદ-વાપી પાસેથી લીધેલા છૂટક અંગુર રબડી, ખેતારામ મેહરરામ પુનીયા, એફ.બી.ઓ. વેન્ડર એન્ડ પ્રોપાઇટર, વીર તેજાજી કિરાણા સ્ટોર, શોપ નં.3, રામેશ્વર કોમ્પલેક્ષ, પોણિયા-પારડી પાસેથી લીધેલા એમએપી બ્રાન્ડ રીફાઇન્ડ કોટનસીડ ઓઇલની કો. પેક પ્લાસ્ટિક બોટલ તેમજ માનકલાલ તુલસરામ ચૌધરી, એફબીઓ એન્ડ વેન્ડર, પૂજા કીરાણા સ્ટોર, શોપ નં.5, રામેશ્વર કોમ્પલેક્ષ પોણિયા-પારડી પાસેથી લીધેલો ઝવેરી માસ્ટ બ્રાન્ડ રેડ ચીલી પાવડરનો સમાવેશ થાય છે. જ્યારે રાજમલ ભેરુલાલ કુમાવત, મારૂતિનંદન કિરાણા સ્ટોર્સ, પટેલ ફળિયા ભેંસધરા પાસેથી લીધેલો ચટ-પટ ચાઇનીઝ નૂડલ્સ કો.પેક પાઉચનો નમૂનો મીસબ્રાન્ડેડ તેમજ ચટ-પટ ટોમેટો ક્રેઝી કો. પેક પાઉચનો નમૂનો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ ફૂડ જણાયા હતા. આ બન્ને પેકેટ ઉપર બેચ નં., પેકિંગ તારીખ તેમજ નેટ વજન પણ વાંચી શકાય તેમ ન હતાં.

આ તમામ વેપારી સામે FSA(ફુડ સેફ્ટી એક્ટ) હેઠળ કેસ દાખલ કરાયા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વલસાડના ડેઝીગ્નેટેડ ઓફીસર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...