ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત:જિલ્લાની 303 પૈકી 28 ગ્રા. પં.માં 29 વોર્ડમાં ઉમેદવારો જ મળ્યાં નહી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે જિલ્લામાં 1009 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે
  • ​​​​​​​વલસાડ 11-કપરાડામાં 14 ગામમાં વોર્ડ બેઠક ખાલી, સરપંચ- સભ્યપદ માટે અલગ કલરના બેલેટ પેપર હશે
  • આખરી ઓપ| ​​​​​​​વલસાડ અને વાપી ખાતે ચૂંટણી વિભાગે મતદાન પૂર્વે મંડપો તૈયાર કરી તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું , 6 તાલુકામાં વ્યવસ્થા ગોઠવી દેવાઈ

વલસાડ જિલ્લામાં 19 ડિસેમ્બરે યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્રએ તમામ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે.જો કે 303 પંચાયતમાં સરપંચો અને 2150 વો્ર્ડ સભ્યની ચૂંટણી માટે તંત્રએ 1751 પોલીસ જવાનો તૈનાત કર્યા છે.જ્યારે ચૂંટણીની કામગીરી માટે 5298 પોલિંગ સ્ટાફના ઓર્ડર કરવામાં આવ્યા છે.જો કે આશ્ચર્યજનક રીતે ગ્રામપંચાયતોની આ ચૂંટણીમાં જિલ્લાની 28 પંચાયતોમાં 29 વોર્ડમાં ઉમેદવારો જ સામે નહિ આવતાં આ વોર્ડ બેઠકો પર ચૂંટણી થશે નહિ.જેને લઇ આ બેઠકો ખાલી રહેવાની નોબત આવી છે.

ગ્રામપંચાયતોની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 19 ડિેસેમ્બર 2021ના રોજ યોજાનારી ચૂંટણી માટે મતદાન મથકો,પોલીસ બંદોબસ્ત અને પોલિંગ સ્ટાફ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.આ વખતે નોંધનીય છે કે જિલ્લાની 28 જેટલી ગ્રામપંચાયતમાં કુલ 29 વોર્ડમાં સભ્ય ઉમેદવારો જ નહિ મળતાં આ વોર્ડની 29 બેઠકો ખાલી રહેશે.જેના પર ચૂંટણી થઇ શકશે નહિ.ચૂંટણી તંત્રએ આવા ગામના વોર્ડની નોંધ લીધી છે.

આ ચૂંટણીમાં જિલ્લાની 303 પંચાયતોના 2150 વોર્ડ સભ્યની ચૂંટણી થનાર છે.અગાઉ 327 પંચાયતો પૈકી 327 ગામના સરપંચો અને 2999 વોર્ડ સભ્યોની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડ્યું હતું.જેમાંથી 24 સરપંચ અને તેના 204 સભ્ય સંપૂર્ણ બિનહરીફ થતાં આ 24 પંચાયત સમરસ થઇ હતી અને 205 પંચાયત અંશત: સંપૂર્ણ બિનહરીફ થઇ હતી,જેમાં 3 સરપંચ અને 616 સભ્ય બિનહરીફ જાહેર થયા હતા.

છેલ્લા દિવસે ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન
વલસાડ જિલ્લાના ધરમપુર,વલસાડ,વાપી,પારડી,ઉમરગામ,કપરાડા તાલુકામાં શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીના પ્રચારના છેલ્લા દિવસે ભારે કશ્મકશ રહી હતી. પંચાયતોના સરપંચ અને સભ્યના ઉમેદવારોએ સમર્થકો અને કાર્યકરોના કાફલા સાથે જે તે વોર્ડમાં વાહનરેલી દ્વારા શક્તિપ્રદર્શન કર્યું હતું.બેનરો લઇને રિક્ષામાં માઇક દ્વારા જાહેરાતો કરી વોર્ડ સભ્યો,સરપંચપદના ઉમેદવારો દ્વારા મોટાપાયે ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું.આમ પંચાયતોની ચૂંટણીનો વાયરો ગામના ફળિયાઓ વોર્ડમાં ફેલાતાં ચૂંટણીમય વાતાવરણ છવાઇ ગયું હતું.

જિલ્લા પોલીસવડાએ 11 ગામની મૂલાકાત લઇ બેઠક કરી
વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જિલ્લામાં 19 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ અને સૌહાદભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વાપી અને ઉમરગામ તાલુકાના કેટલાક ગામોની શુક્રવારે પોલીસ અધિકારીઓ સાથે મૂલાકાતો લઇ સ્થિતિનો તાગ લીધો હતો.આગેવાનો સાથે બેઠકો કરી ગામમાં કોઇ અસામાજિક તત્વો સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે સૂચના આપી હતી અને તેનું ધ્યાન રાખવા તથા આવી તબાબતે પોલીસને તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું.

ગુલાબી અને સફેદ કલરનું બેલેટ વપરાશે
જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપરના માધ્યમથી મતદાન થશે.મતદારોને સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરપંચના ઉમેદવાર માટે ગુલાબી રંગનું બેલેટ પેપર રાખવામાં આવ્યું છે.જ્યારે વોર્ડ સભ્યના ઉમેદવારોને મત આપવા માટે સફેદ કલરનું બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે.જેના કારણે સામાન્ય મતદારોને સરપંચ અને સભ્યને અલગ અલગ મતદાન કરવામાં સમજ થશે.એક મતદારે જે તે સરપંચના ઉમેદવાર અને સભ્ય ઉમેદવાર એમ અલગ અલગ મત આપવાના હોવાથી બંન્ને પદના ઉમેદવારોના બેલેટ પેપરના રંગ જૂદા જૂદા રાખવામાં આવ્યા છે.

રિસિવિંગ- ડિસ્પેચિંગ સેન્ટરોની તૈયારી
વલસાડ જિલ્લાના 303 ગામોમાં ગ્રામપંચયાતોની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતપેટીઓ મોકલવા તથા મતદાન થયા બાદ તેને રિસિવ કરવા માટે 6 તાલુકા મથકોએ રિસિવિંગ સેન્ટરો ઉભા કરાયા છે.શુક્રવારે આ સેન્ટરો પર ટેબલો,બોર્ડ વિગેરે સાથે મોટા શામિયાણા તૈયાર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...